આગામી દિવસોમાં GST મુદ્દે કેન્દ્ર અને વિપક્ષો વચ્ચે સંઘર્ષ વધી શકે છે. GST ની આવકમાં થયેલા નુકસાન માટે વળતર આપવાના મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જે રાજ્ય તેના તરફથી પ્રસ્તાવિત વિકલ્પનો સ્વીકાર કરશે નહીં તેમને જીએસટી ભરપાઇ માટે જૂન, ૨૦૨૨ સુધી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા GST ક્ષતિપૂર્તિ માટે સમાધાનની જે યોજના રજૂ કરવામાં આવી છે તેનો ૨૧ રાજ્યોએ સ્વીકાર કરી લીધો છે. જેમાં તમામ ભાજપ શાસિત અથવા ભાજપના ટેકાથી ચાલતી રાજ્ય સરકારો ઉપરાંત ફક્ત એક કોંગ્રેસ શાસિત રાજ્ય પુડુચેરી છે.
૯૭ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેશે
તમામ ૨૧ રાજ્યો પ્રથમ વિકલ્પ એટલે કે ખૂબ જ સરળ શરતોએ RBI પાસેથી ક્ષતિપૂર્તિ જેટલી રકમ દેવા સ્વરૃપે લેવાની સંમત થયા છે. તમામ રાજ્યો સંયુક્તપણે ૯૭ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેશે. જે રાજ્યોએ પ્રથમ વિકલ્પની પસંદગી કરી છે તેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, ઓડિશા, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
રાજ્યોને મોંઘુ પડી શકે છે
બીજા વિકલ્પ એટલે કે જીએસટીની બાકી રકમને બજારમાંથી દેવા સ્વરૃપે લેવા કોઇ પણ રાજ્ય તૈયાર થયું નથી. બીજી તરફ ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, તમિલનાડુ અને રાજસ્થાને અત્યાર સુધી કોઇ પણ વિકલ્પની પસંદગી કરી નથી. આમ કરવું આ રાજ્યોને મોંઘુ પડી શકે છે.
GST વળતર અંગેનો પ્રસ્તાવ પસાર
નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે જીએસટી પરિષદે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હાજરીમાં જીએસટી વળતર અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. એક વસ્તુ સ્પષ્ટ છે કે જે રાજ્ય ૫ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી જીએસટી કાઉન્સિલ સમક્ષ પોતાના વિકલ્પ પસંદ કરતા નથી તેમને ક્ષતિપૂર્તિની રકમ મેળવવા માટે જૂન, ૨૦૨૦ સુધી રાહ જોવી પડી શકે છે.