મોદી સરકારે દેશની સુરક્ષા અને એકતા પર ખતરો ગણાવીને 29 જૂને TikTok અને UC બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સની કંપનીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધુ છે. આ ચાઈનીઝ કંપનીઓને સરકારે સ્પષ્ટ જણાવી દીધુ છે કે, પ્રતિબંધનું કડકાઈથી પાલન કરો નહીંતર કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે કેન્દ્રીય ઈન્ફોર્મેશન એન્ટ ટેક્નોલૉજી મંત્રાલયે, તમામ ચાઈનીઝ એપ્સ કંપનીઓને પત્ર લખીને પ્રતિબંધનું સખ્તીથી પાલન કરવા જણાવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, IT એક્ટની કલમ 69A અંતર્ગત ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સરકારનું કહેવું છે કે, “આ પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી ઓપરેશન માત્ર ગેરકાયદેસર જ નહી, પરંતુ IT એક્ટ સહિત અન્ય કાયદા અંતર્ગત ગુનો પણ છે. જો પ્રતિબંધ છતાં ભારતમાં ઉપયોગ માટે આ ચાઈનીઝ એપ્સને યેનકેન પ્રકારે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તો તે કાયદા અને સરકારના આદેશનું ઉલ્લંઘન ગણાશે. જેથી આવા મામલામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.”
આ ચાઈનીઝ એપ્સની કંપનીઓને સરકારના આદેશનું સખ્ત પાલન કરવા માટે જણાવાયું છે. જો તેમાં કંપનીઓ નિષ્ફળ રહેશે, તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.