હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનાં નિર્મમ રેપ અને હત્યાકાંડનાં આરોપીઓનાં પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દીકરાઓને જો મોતની સજા કરવામાં આવે છે તો તેઓ વિરોધ નહીં કરે. એક આરોપીની માતાએ એ પણ કહ્યું છે કે, જેવું પીડિતા સાથે કરવામાં આવ્યું છે, તેવી જ રીતે આરોપીઓને સળગાવી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં આ કાંડે આખા દેશને હચમચાવી દીધો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા સુધી પીડિતા ડૉક્ટરનાં હત્યારાને સખતથી સખત સજાની માગ ઉઠી છે.
આરોપીની માતાએ કહ્યું – ફાંસી આપી દો અથવા સળગાવી દો
આ ઘટનામાં એક આરોપી સી કેશવુલુ નારાયણપેટે જિલ્લાનાં મકઠલ મંડળનાં ગુડીગાંડલા ગામનો રહેવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું છે કે, “તેને ફાંસી આપી દો અથવા સળગાવી દો, જેવી રીતે એ લોકોએ મહિલા ડૉક્ટરની સાથે કર્યું તેનો રેપ કર્યા પછી.” તેમણે કહ્યું કે, “મારી પણ એક દીકરી છે અને મને ખબર છે કે મહિલાનો પરિવાર દર્દથી પસાર થઈ રહ્યો છે. જો આ ખબર હોવા છતા કે મારા દીકરાએ અપરાધ કર્યો છે, હું તેનો બચાવ કરું તો લોકો મને આખી જિંદગી નફરત કરશે.”
આરોપીનાં પિતાએ હતાશ થઈ છોડી દીધું ઘર
શ્યામલાએ જણાવ્યું કે ગુરૂવારની સવારે જ્યારે પોલીસ તેના દીકરાને પૂછપરછ માટે લઇને ગઈ તો તેના પતિએ હતાશ થઇને ઘર છોડી દીધું. તેમણે જણાવ્યું કે કેશવુલુનાં લગ્ન 5 મહિના પહેલા થયા હતા. તેમણે જણાવ્યું કે, “અમે તેની પસંદની છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા. ઘર પર ક્યારેય કોઈ દબાવ નથી નાંખ્યો, કેમકે તેને કિડનીની બીમારી હતી. અમે તેને દર 6 મહિને સારવાર માટે હૈદરાબાદની નિમ્સ હૉસ્પિટલ લઇ જઇએ છીએ.”
હેવાનિયત પાર કરી ઘરે આવ્યો હતો આરોપી
જોલૂ શિવા અને જોલૂ નવીન પણ ગુડગાંડલાનાં રહેવાસી છે. મોહમ્મદ આરિફ નજીકનાં જકલૈર ગામનો રહેવાસી છે. આરિફની માતા મૂલે બી સાથે જ્યારે પત્રકારોએ વાત કરી તો તેઓ ભાંગી પડ્યા હતા. આરિફ કુકૃત્યને અંજામ આપીને ઘરે આવ્યો હતો. મૂલે બીએ જણાવ્યું કે, “તેણે મને જણાવ્યું કે તેની ગાડીથી એક્સિડન્ટમાં એક છોકરીનું મોત થઈ ગયું છે.” તેના પિતાએ કહ્યું કે, “તે જે સજાને લાયક છે તે તેને મળવી જોઇએ.” મૂલે બીએ જણાવ્યું કે બાકીનાં ત્રણેય આરોપી અવાર-નવાર તેમના ઘરે આવતા હતા. શિવા અને નવીનનો પરિવાર પણ કાયદા અંતર્ગત સજાની માગ કરી રહ્યો છે. ગુડીગાંડલા અને જકલૈરમાં લોકોમાં ગુસ્સો છે અને તેમનું કહેવું છે કે અપરાધથી તેમનું ગામ શર્મસાર છે.