મુંબઈ : મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર મજૂરોને ઉશ્કેરનાર આરોપી વિનય દુબેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાયો છે. કોર્ટે તેને 21 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (14 એપ્રિલે) બાંદ્રા રેલ્વે સ્ટેશન પર કામદારોના આગમનના 3 કલાકની અંદર જ કહેવાતા મજૂર નેતા વિનય દુબેની ધરપકડ કરવામાં આવી હતી. તે બુધવારે કોર્ટમાં હાજર થયો હતો. સુનાવણી બાદ તેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. વિનય પર ટોળાને ઉશ્કેરવાનો અને કાવતરું ઘડવાનો આરોપ છે. આ વ્યક્તિનો એક જૂનો વીડિયો પણ પોલીસે શોધી કાઢ્યો છે, જેમાં તે કામદારોને ઉશ્કેરતો જોવા મળે છે.
વિનય દુબેના વિડીયો પર સવાલ
વિનય દુબેએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો, આ વીડિયોમાં તે એમ કહેતો સંભળાય છે કે, મહારાષ્ટ્ર સરકારે પરપ્રાંતિય મજૂરોને તેમના વતન રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ વ્યક્તિએ એક ટ્વીટમાં કહ્યું હતું કે જો 18 મી એપ્રિલ સુધી કામદારોને ઘરે નહીં મોકલવામાં આવે તો તેની સામે મોટો વિરોધ આંદોલન કરવામાં આવશે.
મુંબઈ પોલીસે આ કેસમાં ત્રણ એફઆઈઆર નોંધી છે. પહેલી એફઆઈઆર બ્રાંદ્ર સ્ટેશનની બહાર એકત્ર થયેલા અજાણ્યા ટોળા પર છે. બીજી એફઆઈઆર વિનય દુબે વિરુદ્ધ નોંધાઈ છે અને ત્રીજી એફઆઈઆર બનાવટી સમાચાર ફેલાવનાર એક પત્રકાર પર છે. બાન્દ્રા પોલીસે આ પત્રકારની પણ ધરપકડ કરી છે.
11 રીતે ફેલાવવામાં આવી અફવાઓ
દરમિયાન મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, કામદારોમાં અફવા ફેલાવવા માટે 11 જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનિલ દેશમુખે કહ્યું કે 11 પદ્ધતિઓ દ્વારા ભ્રમ ફેલાવ્યો હતો કે ટ્રેન સેવાઓ શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે જે ભ્રમ ફેલાવવા માટે ઉપયોગમાં લેવાયું છે, તેને ટ્રેક કરવામાં આવ્યું છે. આ અંગે એફઆઈઆર નોંધાઈ છે અને હવે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં રેલ્વેનો કથિત પત્ર કેવી રીતે આવ્યો
આ કિસ્સામાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અશોક ચૌહાણે રેલવે પર તાકીને વિભાગનો આંતરિક પત્ર બતાવ્યો હતો, જેમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે 14 એપ્રિલથી પરપ્રાંતીય મજૂરો માટે ટ્રેન દોડાવવામાં એવી શકે છે. આ પત્ર કથિત રીતે 13મી એપ્રિલે દક્ષિણ મધ્ય રેલ્વેના અધિકારીની સહી સાથે જારી કરાયો હતો. હવે રેલવેનો આંતરિક પત્ર સોશિયલ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યો અને પછી અફવાઓને કેવી રીતે હવા મળી, આ મામલે તપાસ ચાલી રહી છે.