Maharashtra Road Accident: મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોડી રાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડીસીપી નવી મુંબઈ પંકજ દહાણેના જણાવ્યા અનુસાર, “મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક ટ્રેક્ટર સાથે બસ અથડાતા અને ખાડામાં પડી જતાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”
બસ ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહી હતી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહી હતી. ત્યાર બાદ રાત્રે 1 વાગ્યાના સુમારે બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી અને મુંબઈ એક્સપ્રેસ હાઈવેની મુંબઈ-લોનાવલા લેન પર જામ થઈ ગયો હતો. ત્યારપછી ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી અને બસમાં ફસાયેલા યાત્રિકોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે લગભગ ત્રણ કલાક સુધી બ્લોક થઈ ગયો હતો. ત્રણ કલાક બાદ લેન પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો.
યાત્રાળુઓ એકાદશી માટે જઈ રહ્યા હતા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ શ્રદ્ધાળુઓ એકાદશી નિમિત્તે ખાનગી બસમાં પુંઢરપુર જઈ રહ્યા હતા. પરંતુ રાત્રે 1 વાગ્યાની આસપાસ બસ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસના ચાલકે સંતુલન ગુમાવ્યું અને બસ ખાઈમાં પડી ગઈ. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. આ પછી આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. પોલીસ સ્થાનિક લોકોની મદદથી ઘટનાસ્થળે પહોંચી, બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં તબીબોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા. હાલ બાકીના મુસાફરોની સારવાર ચાલી રહી છે.