મુંબ્રામાં દસ લાખ રૂપિયામાં વાઘનું ચામડું વેચવા આવેલા કોલ્હાપુરના શખ્સને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. મળેલી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેની ટીમે મંગળવારે બપોરે મુંબ્રામાં વાય સર્કલ નજીક છટકું ગોઠવ્યું હતું. શંકાસ્પદ જણાયેલા શશિકાંત દંડવતે (44)ને તાબામાં લઈ તેની પાસેની બૅગની ચકાસણી કરવામાં આવી હતી. બૅગમાંથી વાઘનું ચામડું મળી આવ્યું હતું.
આ ચામડું તે દસ લાખ રૂપિયામાં વેચવાને ઇરાદે આવ્યો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ પૂછપરછમાં કરી હતી. બૅગમાંથી મળી આવેલા વ્યાઘ્રચર્મની તપાસ માટે વન વિભાગના અધિકારીને જાણ કરાઈ હતી. તપાસ બાદ એ વાઘનું જ ચામડું હોવાની ખાતરી અધિકારી દ્વારા અપાઈ હતી. આ પ્રકરણે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વાઘના ચામડી ચોર ઉપરાંત પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સુદાની નાગરિક પાસેથી 75 કિલો ચંદન જપ્ત કરવામાં આવ્યું હતું. સીઆઈએસએફે ટર્મિનલ-ટુ પર આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર પ્રવાસી બક્રી અબ્બાસ હુસેન સૈયદ ફ્લાઈટથી અદીસ અબાબા જવાનો હતો. સૈયદની બૅગ્સની તપાસ કરતાં તેમાં ચંદન છુપાવવામાં આવ્યું હોવાનું જણાયું હતું. 75 કિલો ચંદન સાથે લઈ જવાનો અધિકૃત પરવાનો ન હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈએસએફના અધિકારીએ આ બાબતે તાત્કાલિક વન વિભાગના અધિકારીને જાણ કરી હતી. જપ્ત કરાયેલા ચંદનની કિંમત 4.90 લાખ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે.