દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ઘર કંકાથી કંટાળી પતિએ જ પોતાની પત્નિનું ગળુ દબાવી મોતને ઘાટી ઉતારી દીધી હતી.અવાર નવાર પતિ-પત્નિ વચ્ચેનો ઝઘડો છેક મોત સુધી પહોંચ્યો હતો. બીજી તરફ જૂનાગઢના વડીયામાં માતા-પુત્રનાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.
ભાટિયાના પોસ્ટ ઓફિસના પાછળના ભાગે રહેતા એક્સ આર્મીમેન દિલિપગીરી ગૌસ્વામી અને તેની પત્નિ ભાવનાબેન ગૌસ્વામી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતાં. દરરોજની ઘરકંકાસથી પત્ની ભાવનાબેને અગાઉ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ સમાધાન થઇ જતા પત્ની પરત આવી બન્ને સાથે રહેતા હતાં. તેમજ પુત્ર અભિષેક ગૌસ્વામી અમદાવાદ અભ્યાસ કરી રહ્યો છે. તેમજ પુત્રી પોરબંદર મામાનાં ઘરે રહીને અભ્યાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. બન્ને પતિ-પત્નિ વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. દરમિયાન શનિવારે રાત્રે ઉગ્ર બોલાચાલી થતા પતિએ ઘરનો દરવાજો બંધ કરી પત્નીને ગળેટુપો આપી હત્યા નિપજાવી હતી. ઉગ્ર બોલાચાલી થતા જ સ્થાનિકો એકઠા થઇ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસ આવી પહોંચે તે પહેલા જ ઉગ્ર બનેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દિધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વડીયાના સદગુરૂનગરમા રહેતા જગદીશ કાવડીયા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. ત્યારે પાડોશમા રહેતો હરેશ વાઘેલા સમજાવવા વચ્ચે પડ્યો હતો જેના પગલે બંને યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલીના કારણે જગદીશ કાવડીયાએ ઉશ્કેરાઇ જઇ હરેશ વાઘેલાના માથામાં કુહાડીનો ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે આ યુવકને સારવારમાટે પ્રથમ વડીયા દવાખાને ખસેડાયો હતો. અને ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલ રિફર કરાયો હતો. જ્યાં તેનુ મોત થયુ હતુ. બીજી તરફ વડીયા પોલીસે હત્યામા સંડોવાયેલ યુવાનને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરકપકડ કરી તપાસ હાથ ધરી છે.
પતિની હત્યા થયાની જાણ થતા પત્નીએ ઝેર પીધું
બનાવની કરૂણતાએ છે કે હરેશ વાઘેલાની હત્યા થયાની જાણ તેની પત્ની કોમલને થતા તેને લાગી આવ્યુ હતું અને તેણે પણ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ વડીયા દવાખાને ખસેડાઇ હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જેતપુર રિફર કરવામા આવી હતી.