રાજકોટમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવાને પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પેટ્રોલ છાંટી સળગીને આત્મહત્યા કરી લીધાની ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં આશરે બે વર્ષ બાદ ગુનો દાખલ થયો છે. સ્યુસાઈડ નોટ અંગે હસ્તાક્ષર નિષ્ણાંતે આપેલા અહેવાલમાં વિલંબ થતા હવે ગુનો દાખલ કરાયાનું પોલીસનું કહેવું છે.
ઘરમાં સળગીને કરી હતી આત્મહત્યા
વિગત એવી છે કે, અવધ રોડ પર સ્થિત વીર સાવરકર ક્વાર્ટરમાં રહેતા મનિષભાઈ વાળગીયા (૪૧)એ ગઈ તા. ૬-૧૦-૨૦૧૭ના રોજ તેના ઘરમાં સળગીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા નાથાભાઈ ડાયાભાઈ વાળગીયા (૬૬) કે જે મેટોડામાં આસ્થા વિલેજમાં રહે છે અને બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજરના પદ પરથી નિવૃત થયા હતા. તેમણે ફરિયાદ નોધાવી છે. જેના આધારે ગાંધીગ્રામ-૨ પોલીસે મૃતકના પત્ની શિતલબેન, સાસુ કંચનબેન અને સસરા હરિભાઈ રામજીભાઈ જયપાલ (રહે. પહેલા દ્વારકા, હાલ ઉપલેટા શાંતિ નિકેતન સોસાયટી) વિરુદ્ધ આપઘાતની ફરજ પાડયાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
અગાઉ બે વખત થઈ ગયા છે છૂટાછેડા
ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. જેમાંથી મનિષ સૌથી મોટો હતો. જે જસદણ સિવીલ હોસ્પીટલમાં કાઉન્સીલર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ સરકારી ક્વાર્ટરમાં પત્ની સાથે રહેતો હતો. તેના અગાઉ બે વખત છૂટાછેડા થઈ ગયા હતા. શિતલબેન સાથે ત્રીજા લગ્ન હતા. જેના આ બીજા લગ્ન હતા. તેનાં પુત્રએ ઘરઘરણું કર્યા બાદ પત્ની સાથે જસદણ રહેતો હતો.
સાસુ-સસરા હેરાન કરવાનો ઉલ્લેખ
આ ઉપરાંત અવધ રોડ પર વીરસાવરકર ક્વાર્ટરમાં ક્વાર્ટર પણ ખરીદ્યું હતું. જ્યાં અવારનવાર પત્ની સાથે અવર-જવર કરતો અને રોકાતો હતો. ત્યાં ગઈ તા. ૬ના રોજ તેનો પુત્ર સળગી જતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો. જ્યાં બીજા દિવસે તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ તે અને પુત્ર જીગર ગઈ તા. ૮-૧૦-૨૦૧૭ના રોજ તેના પુત્રના ફ્લેટમાં તપાસ કરવા ગયા ત્યારે ત્યાંથી પુત્રની એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે પત્ની અને સાસુ-સસરા અવારનવાર તેને હેરાન પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ હતો. સાથોસાથ તેમાં તેના પિતાની સમાજમાં કોઈ ઈજ્જત નથી તેથી ત્રણ ત્રણ લગ્ન કરવા પડયા જેવા મેણાં-ટોણાં મારી સમાજમાં બદનામી કરતા હોવાથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ હતો.
સ્યુસાઈડ નોટમાં લખી હતી આ વાતો
સ્યુસાઈડ નોટમાં વધુમાં તેના પુત્રએ લખ્યું હતું કે ‘શિતલ એટલે કે તેની પત્નીના પિતા શિક્ષક છે, પરંતુ શિક્ષકને શોભે તેવા એક પણ લક્ષણો જોવા મળતા નથી. ખાસ કરીને શીતલ અને તેના માતા-પિતાની જીભ અંદાજે એક-બે કિ.મી. લાંબી છે. બોલવામાં કોઈ જાતની સભયતા નથી.’ ‘જો હું કોઈ કારણસર મારી જીંદગી ટુંકાવીશ તો તેના માટે માત્રને માત્ર શીતલ અને તેના માતા-પિતા જ જવાબદાર રહેશે. હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરીશ કે જે રીતે મને હેરાન કર્યા છે તેવી જ રીતે ભગવાન પણ તેને યોગ્ય બદલો આપે.’
ત્રણ વર્ષે રિપોર્ટ આવ્યા બાદ આજે ત્રણેય આરોપીની ધરપકડ
‘મારા સાળા એટલે કે હાર્દિક અને રજતને પણ મારી જીંદગી જેવી મળી છે, તેના કરતા પણ વધારે ખારી મળે એટલે કે મને જેટલો મારી પત્ની, સાસુ-સસરા તરફથી હેરાન કરવામાં આવે છે, તેટલા જ પ્રમાણમાં મારા સાળાઓને તેના સાસુ-સસરા અને પત્ની તરફથી વર્તન મળે અને હું જે રીતે હેરાન થાવ છું તે જ રીતે તેઓ પણ હેરાન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ.’ સ્યુસાઈડ નોટમાં નીચે મનિષે સહી કરી હતી. ગાંધીગ્રામ-૨ પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જે કરી હસ્તાક્ષર નિષ્ણાત પાસે ગાંધીનગર એફએસએલમાં મોકલી હતી. જ્યાંથી અંદાજે બે વર્ષે રિપોર્ટ આવ્યા બાદ આજે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.