વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ગુરૂવારે ઝારખંડમાં ખેડૂતો, દુકાનદારો અને સ્વ-નિર્ભર લોકો માટે મહત્વાકાંક્ષી પેન્શન યોજનાઓ શરૂ કરી હતી. ‘પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના’ નાના અને સિમાંત ખેડૂતોને 60 વર્ષની વય બાદ માસિક રૂ. 3,000નું લઘુત્તમ પેન્શન પૂરૂં પાડશે. જ્યારે ‘પ્રધાન મંત્રી લઘુ વ્યાપારી માન ધન યોજના’ દુકાનદારો અને રીટેલ વેપારીઓ માટે લોન્ચ કરાઈ છે. સ્વ-નિર્ભર લોકો માટે પીએમ મદોીએ ‘સ્વરોજગાર’ પેન્શન યોજના રજૂ કરી છે. ઉપરાંત વડાપ્રધાને ઝારખંડ વિધાનસભાની નવી ઈમારત અને મલ્ટી-મોડેલ કાર્ગો ટર્મિનલનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
ખેડૂતો, દુકાનદારો અને સ્વ-નિર્ભર લોકો માટેની પેન્શન યોજનાઓમાં 18થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા લોકો અરજી કરી શકશે. તેમને 60 વર્ષની વય બાદ માસિક રૂ. 3, 000નું પેન્શન મળશે. વડાપ્રધાને કુટે ગ્રામમાં બંધાયેલી ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ત્રણ માળની આ ઈમારત રૂ. 465 કરોડના ખર્ચે બનાવાઈ છે. દેશમાં તેને સૌપ્રથમ પેપરલેસ વિધાનસભા ગણાવવામાં આવે છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જણાવ્યું કે ભ્રષ્ટાચાર, આતંકવાદને નાથવા અને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે એનડીએ 2.0 સરકાર કટીબદ્ધ છે અને તેમણે દેશને ખાતરી આપી કે આ મુદ્દાઓ પર એનડીએ સરકારના પ્રથમ 100 દિવસ સાથે તેમના મંત્રાલયની ઝડપી કામગીરીનું હજી ‘ટ્રેલર’ જ જોવા મળ્યું છે, પીક્ચર તો હજી બાકી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ કહ્યું કે અગાઉ કેટલાક લોકો વિચારતા હતા કે તેઓ કાયદા અને કોર્ટોથી ઉપર છે, પરંતુ તેમની સરકારો ભ્રષ્ટાચારને નાથવા માટે કટીબદ્ધ છે.
પોતાને દેશના કાયદા અને કોર્ટોથી ઉપર માનતા હોય તેવા લોકો હવે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી રહ્યા છે. કેટલાક લોકોને ભ્રષ્ટાચાર બદલ જેલમાં ધકેલી દેવાયા છે, જે તેમના માટે યોગ્ય જગ્યા છે. અમારી સરકાર ભ્રષ્ટાચાર અને આતંકવાદને નાથવા સાથે વિકાસ માટે પણ કટીબદ્ધ છે અને દેશમાં વિકાસમાં આટલી તિવ્ર ગતિ ક્યારેય જોવા નથી મળી તેમ તેમણે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું.
ચિદમ્બરમ હાલ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં કેદ છે. તેમણે ઉમેર્યું હતુું કે, દેશે 100 દિવસની અંદર તેમની સરકારની કામગીરીની ઝડપનું માત્ર ‘ટ્રેલર’ જ જોયું છે, પીક્ચર જોવાનું તો હજી બાકી છે. વડાપ્રધાને મોદી 2.0માં સંસદના પ્રથમ સત્રમાં પાસ થયેલા ટ્રિપલ તલાક બિલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની સરકાર મુસ્લિમોના સન્માનને જાળવવા માટે કટિબદ્ધ છે.
ઉપરાંત નવા રચાયેલા બે કેન્દ્રશાસિત પ્રદેશો અંગે તેમણે કહ્યું કે તેમની સરકાર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો વિકાસ કરશે. તેના માટે કામ શરૂ થઈ ગયું છે. તેમણે અગાઉ ઝારખંડમાં સરકારી કામોમાં પારદર્શિતાના અભાવ અને કૌભાંડોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મુખ્યમંત્રી રઘુબર દાસની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી કામોમાં પારદર્શિતા લાવવા ઘણા પ્રયાસો કર્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ રજૂ કરાયેલી વિવિધ કલ્યાણ યોજનાઓના મુદ્દે તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં દેશમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાનો 44 લાખ લોકોએ લાભ મેળવ્યો છે. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ગણાતી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાની ગયા વર્ષે વડાપ્રધાને ઝારખંડથી જ શરૂઆત કરી હતી.
વડાપ્રધાને ગુરૂવારે લોન્ચ કરેલું ઝારખંડનું નવું મલ્ટી-મોડેલ ટર્મિનલ ઈનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સાબિગંજ ખાતે ગંગા નદી પર બાંધવામાં આવ્યું છે. વડાપ્રધાન ઓનલાઈન પર આ ટર્મિનલું ઉદ્ધાટન કર્યુ ંહતું. તેનાથી પ્રદેશમાં પરિવહન વ્યવસૃથામાં સુધારો થશે તેમ મનાય છે. આ કાર્ગો ટર્મિનલની સ્ટોરેજ ક્ષમતા વાર્ષિક 30 લાખ ટનની છે અને તે બે વેસેલ્સ માટે પાર્કિંગ અને બિર્થંગ સ્પેસ ધરાવે છે.
વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 462 એકલવ્ય મોડેલ સ્કૂલ માટે ઓનલાઈન શિલાન્યાસ કર્યો હતો, જેમાંથી 69 શાળાઓ ઝારખંડના 13 જિલ્લાઓમાં સૃથાપવામાં આવશે. વડાપ્રધાને ઝારખંડ સચિવાલયની નવી ઈમારતનો શિલાન્યાસ પણ કર્યો. રાજ્યના પાટનગરમાં નવી સચિવાલય ઈમારત રૂ. 1238.92 કરોડના અંદાજિત ખર્ચે બંધાશે.