National Herald case: મની લોન્ડરિંગ કેસમાં EDએ કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ, કહ્યું – ગુનાની કમાણીનો આનંદ લઈ રહેલા હતા આરોપીઓ
National Herald case: – નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ સંબંધિત મામલે પ્રવર્તન નિયામક સંસ્થા (ED)એ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન EDએ દાવો કર્યો કે આરોપીઓએ ગેરકાયદેસર રીતે ₹142 કરોડનો નફો મેળવ્યો હતો અને આ રકમ મની લોન્ડરિંગની પ્રવૃત્તિથી જોડાયેલી છે.
ED વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે “નવેમ્બર 2023 સુધી આરોપીઓ આ રકમમાંથી સીધો કે પરોક્ષ લાભ લઈ રહ્યા હતા.” તેઓએ કહ્યું કે આ રકમ ગુનાથી પ્રાપ્ત થયેલી હોવાથી, તેના ઉપયોગ કે દાવપેચ પણ મની લોન્ડરિંગ હેઠળ આવે છે.
EDનું વધુ દલીલવું હતું કે “માત્ર પૈસા મેળવવા નહીં પરંતુ તેને રાખવા કે વાપરવાથી પણ આરોપીઓ મની લોન્ડરિંગના કાયદા હેઠળ દોષિત ગણાઈ શકે છે.”
યંગ ઈન્ડિયા કંપનીના માધ્યમથી લાભ:
EDએ ખાસ કરીને યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંગે નોંધનીય દાવો કર્યો કે કંપનીનું સ્થાપન માત્ર સોનિયા અને રાહુલ ગાંધીને નાણાકીય ફાયદો પહોંચાડવા માટે થયું હતું. EDના જણાવ્યા અનુસાર, “યંગ ઇન્ડિયામાં ક્યારેય કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ થઇ નહતી, અને તેનો એકમાત્ર હેતુ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલી મિલકતો પર નિયંત્રણ મેળવવાનો હતો.”
આ કેસમાં EDએ અગાઉ ચાર્જશીટ દાખલ કરી છે, જેના પગલે કોર્ટએ તમામ આરોપીઓને નોટિસ ફટકારી છે.
આરોપીઓ તરફથી સુનાવણી મુલતવી રાખવાનો પ્રયાસ:
આ કેસમાં અરજદાર તરફથી અભિષેક મનુ સિંઘવીએ સુનાવણી જુલાઈ સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી. તેમનો દાવો છે કે ચાર્જશીટની નકલ તાજેતરમાં મળી છે અને સમય જોઈએ. પરંતુ EDના ASG રાજુએ કટાક્ષ કરતા કહ્યું કે ચાર્જશીટ અગાઉ જ આપવામાં આવી હતી અને “અહિયાં સુધી કોઈ વાંધો નહોતો, હવે વિલંબની માગણી થઈ રહી છે.”
EDએ વધુમાં જણાવ્યું કે કેસમાં અત્યાર સુધી 21 સ્થળોએ દરોડા પાડી ₹51 લાખની રોકડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં આગળની સુનાવણી માટે કોર્ટ દ્વારા નવી તારીખ નક્કી કરવામાં આવશે અને આગામી તબક્કે ચાર્જશીટના આધારે અસલી ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે.