નવી દિલ્હી : ભૂતકાળમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલી જાસૂસીની ઘટના સામે આવ્યા બાદ હવે મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર – NIC)ના ઘણાં કમ્પ્યુટર્સ હેકરો દ્વારા હેક કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે સપ્ટેમ્બરની શરૂઆતમાં આ મામલે કેસ નોંધ્યો છે.
એનઆઈસીના આ કમ્પ્યુટર્સમાં, ભારતીય સુરક્ષા, નાગરિકો, મોટી વીઆઇપી હસ્તીઓથી સંબંધિત ડેટા ઉપલબ્ધ છે. આમાં વડાપ્રધાન મોદીથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુધીના ડેટા શામેલ છે.
મળતી માહિતી મુજબ આ હુમલો બેંગલુરુની એક ફર્મ દ્વારા કરવામાં આવ્યો હતો. એનઆઈસીના કર્મચારીઓને એક મેઇલ મળ્યો હતો, જેણે તે મેઇલની લિંકને ક્લિક કરી, તેનો ડેટા અદૃશ્ય થઈ ગયો.
કહેવામાં આવી રહ્યું છે કે, આ સાયબર એટેકમાં આશરે 100 જેટલા કમ્પ્યુટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક એનઆઈસીના હતા અને કેટલાક આઈટી મંત્રાલય સાથે સંકળાયેલા હતા.
આ કેસ પછી, એનઆઈસીની ફરિયાદ પર, દિલ્હી પોલીસના વિશેષ સેલે આઇટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે હજી તપાસ ચાલી રહી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ મેલ બેંગ્લોરની એક અમેરિકન કંપનીનો આવ્યો છે. જેની માહિતી આઈપી એડ્રેસ પરથી મેળવી છે.
ચાલો તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક ચીની કંપનીઓ લગભગ દસ હજાર ભારતીયો પર નજર રાખી રહી છે. આમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, નેતાઓ, રમતવીરો, અભિનેતાઓ સહિત અનેક હસ્તીઓનાં ડેટા ઉપર નજર રાખવામાં આવી રહી છે. ચીની કંપની આ બધી ગતિવિધિઓને રેકોર્ડ કરી રહી છે.
આ ખુલાસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ચીનના દૂતાવાસમાં વિદેશ મંત્રાલયે ફરિયાદ નોંધાવી હતી. તેમજ એક સમિતિની રચના પણ કરી છે જે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.