મંગળવારના રોજ કેન્દ્રી મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ને મંજુરી આપી દીધી છે. એનપીઆરની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની વચ્ચે લાગુ થઇ જશે. ખાસ વાત એ છે કે આસામને છોડી દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એનપીઆર લાગુ થશે. જોકે, વસ્તી ગણતરીનું કામ આસામ સહિત સમગ્ર દેશમાં થશે. જણાવી દઇએ કે આસામને એનપીઆરમાંથી એટલા માટે બાકાત રાખવામાં આવ્યો છે કારણકે ત્યાં પહેલાથી એનસીઆરનું કામ થઇ ગયું છે. સરકારે વસ્તી ગણતરી, 2021 માટે 8754 કરોડ રૂપિયા અને એનપીઆરને અપડેટ કરવા માટે 941 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. આગામી વર્ષે એપ્રિલથી વસ્તી ગણતરી, 2021ના પ્રથમ તબક્કાની સાથે જ એનપીઆર અપડેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એનપીઆર અપડેટની પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.
એનપીઆરની શરૂઆત 2010માં યુપીએના શાસનમાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી, 2021 બે તબક્કામાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીમાં ઘરોની ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. બીજા તબક્કા હેઠળ 9 ફેબુ્રઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વસ્તી ગણતરી કરાશે.નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે 3941.35 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. એનપીઆરને અપડેટ કરવાની કામગીરી આગામી વર્ષે એપ્રિલથી શરૂ કરવામાં આવશે. એનપીઆર દેશમાં વસવાટ કરતા લોકોની યાદી છે.આ યાદીમાં સ્વભાવિક રહેવાસીઓના નામ સામેલ કરવામાં આવશે. છેલ્લા છ મહિના કે તેથી વધુ સમયથી સ્થાનિક વિસ્તારમાં વસતા રહેવાસીઓ અથવા એવા રહેવાસી કે જે આગામી છ મહિના કે તેથી વધુ સમય માટે વસવાટ કરવા માગતા હોય તેવા લોકોને એનપીઆરમાં સામેલ કરવામાં આવે છે.
2010માં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. આ ડેટાને 2015માં ઘરે ઘરે ફરીને અપડેટ કરવામાં આવ્યો હતો. આ અપડેટ માહિતીનું ડિજિટલાઇઝેશનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં વસતા દરેક વ્યકિતએ એનપીઆરમાં પોતાનું નામ રજિર્સ્ડ કરાવવું ફરજિયાત છે.ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની વેબસાઇટ અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે અને તેની સાથે જ વસ્તીગણતરી, 2021 માટે હાઉસ લિસ્ટિંગ તબક્કો શરૂ કરવામાં આવશે.