જેમ થેપલાં, ઢોકળાં અને ફાફડા ગુજરાતીઓની ઓળખ છે એમ ગરબા પણ ગુજરાતીઓની ઓળખ છે. રમુજમાં કહે છે ને કે ગુજરાતીઓ અંગ્રેજી પૉપસોંગથી માંડીને ભાંગડાનાં બિટ્સ પર ગરબા કરી શકે છે – આ વાતમાં જરાય અતિશયોક્તિ પણ નથી. વળી ગરબાની પરંપરા ગુજરાતમાં ૫૦૦૦ વર્ષોથી ખીલી, પ્રસરી અને પ્રચલીત બની છે. ગરબા એટલે ભક્તિ અને શ્રુંગારરસનું એવું મિશ્રણ જેમાં છોલછલ ઊર્જા સિવાય બીજું કંઇપણ મળવું અશક્ય છે. ગરબાનો સ્થૂળ પ્રકાર એટલે કે –દીપગર્ભઘટઃ જેનાં ગર્ભમાંદિવો છે તેવો માટી કે ધાતુનો છિદ્રવાળોઘડો. ગર્ભદીપશબ્દ માંથી અંતે અપભ્રંશ થઇને ગરબો શબ્દ ચલણમાં રહી ગયો. શાસ્ત્રો અનુસાર માટી એ પૃથ્વીનો એક ભાગ છે અને ગરબાનો દીપ તેમાં રહેલો આત્મા છે. કલા શાસ્ત્રમાં અવારનવાર જેનો સંદર્ભ લેવાય છે તે‘અભિનય દર્પણ’ અનુસાર ગૌરીમાએ પોતાની દીકરી ઓખાને લાસ્ય નર્તન શિખવાડ્યું હતું. શ્રાપને પગલે ઓખા, અસુરોનાં રાજા બાણાસુરને ત્યાં તેની પુત્રી ઉષા તરીકે જન્મી પણ પૂર્વ જન્મની યાદ હજી ક્યાંક સંઘરાયેલી હતી.
ઉષાનો વિવાહ દ્વારકાધિશકૃષ્ણનાં પૌત્ર સાથે થયો, પછી દ્વારકાની સ્ત્રીઓનેઉષાએ આ નર્તન શીખવ્યું. દ્વારકામાં અપાયેલી ઠેક જૂનાગઢ અને સૌરાષ્ટ્ર સુધી ગઇ અને ત્યાંથી ગુજરાત (ત્યારે આનર્ત) સુધી તેનો ઉલ્લાસ પહોંચ્યો. લાસ્ય નર્તનનું અપભ્રંશ થઇને રાસ્ય શબ્દનો ઉપયોગ થવા માંડ્યો. રાસ પહેલાં કે ગરબા પહેલા એની કોઇ ચોખવટ હજી સુધી કોઇ વિદ્વાને કરી નથી પણ ભાસનીરચનાઓમાં અને હરિવંશપુરાણમાંરાસનો ઉલ્લેખ છે. રાસ કૃષ્ણ સાથે જોડાયેલું નર્તન છે તો ગરબો માતાજીની ભક્તિ છે. ગુજરાતમાં ગરબા તરફ ઝુકાવ વધારે છે પણ તેમાં ગવાતા ગીતોમાં માતાજી અને રાધા-કૃષ્ણ બંન્નેની ભક્તિ, શક્તિ અને શૃંગારની વાત કરાય છે. પ્રાચીન ગરબા લખનારાનાંસંદર્ભે ૧૭૮૦માં થઇ ગયેલા વલ્લભ મેવાડાનું નામ મોખરે છે તો સાથે નરસિંહ મહેતા અને ભાણદાસનું નામ પણ ગરબા સાથે સંકળાયેલું છે.
કોઇપણ ગીત ગરબાનાં તાલમાં ગાઇ શકાય છે, તેમાં સૂર કે તાલની જટિલતા ઓછી હોવી જોઇએ. વર્તુળાકારે ઘુમતાં-ઘુમતાં સરળતાથી ઉપાડી શકાય તે ગરબો હોઇ જ શકે. ગરબા મોટે ભાગે હિંચ, ખેમટો, કેરવો અને દીપચંદી એમ ચાર તાલમાં થતા હોય છે. એક સમયે ધાર્મિક ભાવ સાથે ગરબો અંતે સામાજિક થતો ગયો. લોકસાહિત્યમાં અને લોકગીતોમાં આ બદલાવને સમજી શકાય તેવી ઘણી વાતો છે. એક સમયે જ્યાં સ્ત્રી બોલીને પોતાની લાગણી વ્યક્ત ન કરી શકતી ત્યારે તેને માટે લોકગીતો એક અભિવ્યક્તિ બનતા.
ગુજરાતની નવરાત્રીનું આધુનિક રૂપ એટલે મુંબઇનાં ડિસ્કો દાંડીયા અને ગ્લેમર નગરીમાં ફિલ્મનાં ગીતો પર પણ ડિસ્કો દાંડિયા થાય છે. દરેક ગ્રુપ પોતાને ગમતી સ્ટાઇલમાં ગરબા કરતા હોય છે જે પારંપરિક તાળી અને ચપટીનાંગરબાથી સાવ અલગ હોય છે. ત્રણ તાળી, દોઢિયું, આઠીયુંથી માંડીને બે તાળી, રમઝણીયું અને છેલ્લા કેટલા વર્ષોથી સનેડો સુદ્ધાં નવરાત્રીનાં મેદાનની શાન બન્યો છે. આ ઉપરાંત ઇનામ જીતવા પોતાની આગવી સ્ટાઇલમાં ગરબા કરનારાની વાત જુદી.ગુજરાતમાં વડોદરા એક માત્ર એવું શહેર છે જ્યાં એક સાથે પચાસ હજાર લોકો પણ એક સરખાં ગરબા મોટાં વર્તુળમાં કરે છે. ત્યાંની ફેકલ્ટીઑફફાઇનઆર્ટ્સનાં ગરબામાં પરંપરા બરાબર જળવાઇ છે જ્યાં માઇકનો ઉપયોગ નથી થતો અને માત્ર પારંપરિક વાદ્યોનો જ ઉપયોગ થાય છે. અમદાવાદ, સુરતમાં સ્ટેડિયમ, ક્લબ્ઝ વગેરેમાં ગરબાનું આયોજન થાય છે અને અહીં લોકો પોતાની આગવી રીતે ગરબા કરવાનું પસંદ કરે છે. ગરબાનું સત્વ જળવાય, તે ગરવો રહે અને વરવો ન બને તેવી જ આશા.
એક સમયે નવરાત્રી પછી ગર્ભપાતનાં કિસ્સા વધે છે એવી બોગસ સ્ટોરીઝ માત્ર સનસનાટી ખાતર અખબારોમાં આવતી પણ આ તહેવારમાં હજી દૂષણ ઓછું છે. હા નવરાત્રીમાં રોમાન્સ ચોક્કસ ભળે છે પણ તે ક્યારેય બેહુદો નથી બનતો. નવરાત્રી એક માત્ર તહેવાર છે જ્યાં કોઇ પોતાની દીકરીને રાત્રે બહાર જવાની ના નથી પાડતું. બધાં શહેરોમાં શેરી ગરબા પોળ વગેરેમાં સચવાયા છે ખરા પણ તામ-ઝામ વાળા ગરબાનું આકર્ષણ ઘટ્યું નથી બધાં જ ધર્મનાં લોકો નવરાત્રીમાં એકરસ થઇને મોજ કરે છે.