નવી દિલ્હી: ભારતીય નેવી (નૌકાદળ) હવે વધુ મજબુત બનવા જઈ રહી છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે તે 42 હજાર કરોડની સ્ટીલ્થ સબમરીન બનાવવાની યોજનાને મંજૂરી આપશે. આ અંતર્ગત 6 નવી જનરેશનની સબમરીન બનાવવામાં આવશે. આ બધાંનું નિર્માણ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મેક ઇન્ડિયા અંતર્ગત મે 2017 માં ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારી નીતિની ઘોષણા કરી હતી. આ નીતિ હેઠળ, સૌથી પહેલા આ સબમરીન બનાવવામાં આવશે. આ માટે વિદેશી કંપનીઓની મદદ લેવામાં આવશે, પરંતુ તેનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી હતી કે તેનું ટેન્ડર આવતા મહિના સુધીમાં જાહેર થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે સંરક્ષણ શિપયાર્ડ મઝગાંવ ડોક્સ અને સબમરીન પ્રોગ્રામ માટે ખાનગી શિપ-બિલ્ડર એલ એન્ડ ટી, પ્રોજેક્ટ- 75 ઇન્ડિયા માટેના ટેન્ડર આગામી મહિના સુધીમાં બહાર પાડવામાં આવશે.