વાહનની માલિકીને લગતા દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ સ્વરૂપે સાથે નહીં રાખવાની ‘ગુજરાતમિત્ર’ની ઝુંબેશને લોકોએ આવકારી, નિયમ બદલવાની તરફેણ કરી છે. ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોએ પણ આ સૂચનને યોગ્ય ગણી આગળ રજૂઆત કરવાની ખાતરી આપી છે એ આપણી આ લડતમાં હકારાત્મક સંકેત છે. ‘ગુજરાતમિત્ર’ને અનેક સૂચનો, ચર્ચાપત્રો, ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ મળ્યા છે અને અભિનંદન આપ્યા છે એ સૌનો ફરી આભાર. ફરી યાદ અપાવીએ કે હાલ અન્ય મુદ્દાઓ બાજુએ મૂકીને માત્ર દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ કોઇ પણ સ્વરૂપે સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કેટલાંક ફેસબુક યુઝર્સ અને વાચકોએ એમ પણ સૂચવ્યું છે કે એમ પરિવહન અને ડિજિલોકર એપ દસ્તાવેજો રાખવા માટે છે જ. તેમના લાભાર્થે આજે બેઉ એપ વિશે પણ વાત કરીશું.
સૌથી પહેલાં તો વાહન માલિક અને વાહન ચાલક વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. હકીકતમાં તો સીસી ટીવી દ્વારા જે મેમો ઘરે આવે છે એમાં વાહનચાલકની ભૂલ હોવાં છતાં દંડાય છે વાહનમાલિક! આ પણ સાવ ખોટું છે એટલે એ મુદ્દે અહીં ચર્ચા નથી કરતા પણ આમાંથી એક મુદ્દો એવો આવે કે દંડ કરવો હોય તો તમે સીસીટીવીના કેમેરાએ લીધેલી તસવીરમાંથી નંબર કાઢીને નામ-સરનામાં બધું મેળવી શકો છો, તો રસ્તે ચેકિંગ દરમ્યાન ડિવાઇસ વડે આરસીબુક જોવામાં ચૂંક શેની આવે? શા માટે લોકોને હેરાન કરવા. વાહન માલિક એક હશે પણ એ વાહન ચલાવનારા એકથી વધુ હશે. માની લો કે તમામ દસ્તાવેજો ઓરિજિનલ ગાડીમાં લઈને નીકળ્યા અને એ ચોરાઇ ગઈ તો શું પોલીસ વાહન ચોરીની ફરિયાદ માટે આ બેઉ એપના ડિજિટલ ડેટા માન્ય રાખશે?
વળી, કોઇકે સૂચવ્યું કે એમપરિવહન એપ મસ્ત છે અને તમે આરસીબુક ફેમિલી મેમ્બરને શેર કરી શકો છો.સાચું. પણ ડિજિલોકરમાં એવું નથી. વળી, એમપરિવહનમાં તમે વીમા પોલિસી મેળવી શક્તા નથી. ડિજિલોકરમાં થઈ શકે પણ એમાંય બધી વીમા કંપનીઓ એમ્પેનલ નથી. તમારે વીમા પોલિસી સ્કેન પીડીએફ બનાવી અપલોડ કરવાની રહે છે. બેઉ એપમાં ઘણી વિસંગતાઓ અને તફાવત છે. એકમાં વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ બને છે, બીજીમાં પુલ થાય છે.સરકારે કહ્યું છે કે આરસીબુકમાં વીમાની મુદત એક્ટિવ બતાવે તો પોલીસે વીમા પોલિસીનો આગ્રહ ન રાખવો. પણ એવું થાય છે? સરકારે રિયલ ટાઇમ ધોરણે વીમા અને પીયુસીના ડેટા અપડેટ કરવાનું ઠરાવ્યું છે પણ ડિજિટલ આરસી બુકમાં પીયુસીનો ડેટા અપડેટ થાય છે? સરકારે તો એમ પણ કહ્યું છે કે જો અન્ય કોઇ ટ્રાફિક ગુના ન હોય તો માત્ર દસ્તાવેજો ખાતર વાહન જપ્ત ન કરવું.
એડવાઇઝરીમાં પણ કહેવાયું છે કે મોબાઇલ ન હોય તો સ્થળ પર પોલીસે જાતે દસ્તાવેજો ચેક કરી લેવા. આમ ફિઝિકલ દસ્તાવેજો સાથે રાખવાનો છેદ ઉડી જ ગયો છે. દરેકે હેન્ડહેલ્ડ ડિવાઇસ રાખવી અને ક્યુઆર કોડ સ્કેન કરવા પડે તો એય કરવા. એમ પરિવહનાના ક્યુઆર કોડ સ્કેન કરવા માટે અમલીકરણ અધિકારીને ઇન્ટરનેટની પણ જરૂર નથી. ગુજરાત અને દિલ્હીમાં તો આરસીબુક સાથે મોબાઇલ નંબર લિંક પણ ઓલરેડી ફરજિયાત છે એટલે સવાલ એક જ છે, જો પોલીસ સીસી ટીવી પરથી આપણી આરસી બુકની વિગતો કાઢી શકે છે તે ઓન રોડ પણ એ જ રીતે ચેક કરી શકે છે તો આપણે ડિજિટલી પણ દસ્તાવેજો સાથે રાખવાની જરૂર ખરી?
વાહન રજીસ્ટ્રેશન થયા બાદ ડેટા સમયાંતરે અપડેટ થતો નથી એ એક સમસ્યા છે : પો.કમિ. બ્રહ્મભટ્ટ
પોલીસ કમિશનર આર. બી. બ્રહ્યભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ વાહન ખરીદે છે તો તેને અઠવાડિયાની અંદર તેનું રજીસ્ટ્રેશન કરાવે છે. રજીસ્ટ્રેશન થયા બાદ જે ડેટા તુંરત ઓનલાઇન થવો જોઈએ તે સમયાંતરે થતો નથી, તે પણ એક સમસ્યા છે. જ્યારે પણ પોલીસ કોઈ વાહનચાલકને અટકાવે છે અને આર. સી. બુક, પીયુસી કે પછી વીમના ડોક્યુમેન્ટ માગે છે ત્યારે જો વાહનચાલક પાસે તે ન હોય તો પોલીસ તેમને તુરંત જ દંડ કરતી નથી. પોલીસ આવા સંજોગોમાં વાહનચાલકે ડોક્યુમેન્ટ વહેલી તકે રજૂ કરવાનો સમય આપીએ છીએ. લોકોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ પૂરતા પ્રયાસ કરે જ છે.
જો પોલીસ અને સરકાર નહીં સમજે તો હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે: કોર્પો. ભાવેશ રબારી
સુરતના જાણીતા કોર્પોરેટર અને વકીલ તેમજ નર્મદ યુનિ.ના સીન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, જ્યારે સરકાર ડિજિટલાઈઝેશનને મહત્વ આપી રહી છે. મોબાઈ એપ્સ છે અને તેમાં પણ જે તે વાહનના પીયુસી, આરસી બુક અને સાથે સાથે વીમાના કાગળીયા રાખી જ શકાય છે. આ મામલે કેન્દ્ર સરકારની એડવાઈઝરી પણ છે ત્યારે ખુદ પોલીસ અને સરકારે જ એવા ડીવાઈસ તૈયાર કરવા જોઈએ કે જેમાં જે તે વાહન નંબર નાખીને આ ડોક્યુમેન્ટ્સ ચેક કરી શકાય. જો પોલીસ અને સરકાર આ મામલે આગળ નહીં વધે અને લોકોને હેરાનગતિ કરવામાં જ આવશે તો આ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની પણ ફરજ પડશે.