NEET Paper Leak : CBIએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સિવાય તપાસ એજન્સીએ હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ કરી છે.
NEET પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ગુજરાતના 4 જિલ્લામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા છે.
CBI એ હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ કરી છે.
જમાલુદ્દીન પર પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાનો આરોપ છે. જમાલુદ્દીન ફોન દ્વારા પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલના સતત સંપર્કમાં હોવાનું કોલ ડિટેઈલ્સમાં જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન તે પેપર લીકમાં પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને મદદ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
CBI લાતુર જઈ શકે છે
મહારાષ્ટ્રમાં NEET પેપર લીક કેસમાં CBIની ટીમ આજે લાતુર પહોંચી શકે છે. મહારાષ્ટ્ર સરકારે લાતુર પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. એક અધિકારીએ જણાવ્યું કે CBI અધિકારીઓએ તપાસ કરી રહેલી પોલીસ ટીમ સાથે વાત કરી છે. ટીમ આજે લાતુર પહોંચીને જરૂરી દસ્તાવેજો એકત્ર કરી શકે છે. આ મામલામાં અત્યાર સુધીમાં લાતુરમાંથી બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ ફરાર છે, તેમની શોધ ચાલુ છે.