સરકારે ૫ ઓગસ્ટથી દેશભરમાં જિમ તેમજ યોગનું શિક્ષણ તેમજ માર્ગદર્શન આપતી સંસ્થાઓ ખોલવા મંજૂરી આપી છે. તમામ જિમ તેમજ આરોગ્ય સંસ્થાઓએ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર જાળવવું પડશે, એસીનું તાપમાન ૨૪થી ૩૦ ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા જિમ તેમજ યોગ સંસ્થાઓને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી તેથી આ વિસ્તારમાં આવતા જિમ અને યોગ સંસ્થાઓ બંધ રાખવાનાં રહેશે. આવા જિમ કે યોગ કેન્દ્રોમાં સામાન્ય જનતા જઈ શકશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનની બહાર કાર્યરત જિમ અને યોગ સંસ્થાઓ ખોલી શકાશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા વખતોવખત જાહેર કરાતી ગાઇડલાઇન્સનો અમલ કરવાનો રહેશે. ૬૫ વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધ લોકો, સગર્ભા મહિલાઓ તેમજ ૧૦ વર્ષથી ઓછી વયનાં બાળકો તેમજ કોમોર્બિડિટીનાં લક્ષણો ધરાવનારાઓને જિમમાં પ્રવેશ અપાશે નહીં તમામ વ્યક્તિોએ ૬ ફૂટનું અંતર રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. જિમ તેમજ યોગ કેન્દ્રોમાં ફેસ માસ્ક પહેરવાનો રહેશે. જો કે યોગ તેમજ જિમમાં કસરત કરતી વખતે માસ્ક પહેરવો જરૂરી નથી. દરેક વ્યક્તિએ સમયાંતરે સાબુથી ૪૦થી ૬૦ સેકન્ડ હાથ ધોવાનાં રહેશે. આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. જિમ અને યોગ કેન્દ્રોનાં પરિસરમાં થૂંકવાની સખત મનાઈ રહેશે. તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. કોઈપણ પ્રકારની બીમારીનાં લક્ષણ જણાય તો નજીકનાં હેલ્થ સેન્ટર કે હોસ્પિટલનો સંપર્ક સાધવાનો રહેશે. જિમ અને યોગ કેન્દ્રોમાં લોકોને થર્મલ સ્ક્રીનિંગ કર્યા પછી જ પ્રવેશ આપવાનો રહેશે . તમામ જિમ અને યોગ કેન્દ્રોએ ત્યાં આવતા જતા લોકોનું પત્રક બનાવવાનું રહેશે જેમાં નામ, સરનામું, ફોન નંબર તેમજ આવવાનો અને જવાનો સમય દરરોજ નોંધવાનો રહેશે.
જિમ તેમજ યોગ કેન્દ્રોમાં ગીચતા ન હોવી જોઈએ. લોકો માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા મશીનો તેમજ અન્ય સાધનો વચ્ચે ૬ ફૂટ કે તેથી વધુ અંતર જાળવવું પડશે. જિમમાં પ્રિમાઈસિસની બહાર જગ્યા હોય તો કેટલાંક સાધનો બહારનાં એરિયામાં રાખી શકાશે. જે લોકોનાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૫ ટકાથી ઓછું હોય તેમને જિમમાં પ્રવેશ આપવાનો રહેશે નહીં. પ્રિમાઈસિસમાં આવવા અને જવા માટે અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. વધુ સંખ્યામાં લોકો આવે તો નક્કી કરેલા સમય મુજબ લોકોને બેચમાં બોલાવવાનાં રહેશે. લોકોએ ૬ ફૂટનું અંતર રાખી લાઇનમાં ઊભા રહેવાનું રહેશે. પૈસાની ચુકવણી માટે લોકો એકબીજાનાં સંપર્કમાં ન આવે તે રીતે કોન્ટેક્ટલેસ સિસ્ટમ અપનાવવાની રહેશે. જિમમાં ફ્લોર પર કામ કરનાર સ્ટાફની સંખ્યા ઓછામાં ઓછી રાખવી પડશે. લોકરનો ઉપયોગ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવાનો રહેશે. ડસ્ટબિન તેમજ કચરાના ડબ્બા ઢાંકેલા રાખવાનાં રહેશે. ? કફ અને શરદી થયા હોય તો મોઢું, ચહેરો, કપડાં અને તેમજ શરીરને ટિસ્યૂ પેપરથી સતત સાફ કરી ટિસ્યૂ પેપરને યોગ્ય નિકાલ કરવાનો રહેશે. જિમ અને યોગ કેન્દ્રોને સતત સેનિટાઈઝર છાંટીને જંતુમુક્ત કરવાનાં રહેશે. પ્રવેશદ્વાર, બિલ્ડિંગ તેમજ બધા રૂમ, વોશરૂમ, શૌચાલય અને અન્ય સાધનસામગ્રી સતત સેનિટાઈઝ કરવાની રહેશે. જિમ અને યોગ કેન્દ્રોએ ટાઈમનું જુદુંજુદું શિડયુઅલ ગોઠવવાનું રહેશે અને સભ્યોને તે મુજબ બોલાવવાના રહેશે. બે બેચ વચ્ચે સમયનું અંતર રાખીને તેમાં આખી સંસ્થાને સેનિટાઈઝ કરવાની રહેશે. દરેક સેશન વચ્ચે સમયનું અંતર રાખવું પડશે અને મર્યાદિત સંખ્યામાં જ લોકોને બોલાવવા પડશે. તમામ લોકોએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે.