દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના સત્તાવાર આવાસમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટના સમયે ન્યાયાધીશ ઘરે ન હતા. અગાઉ સમાચાર આવ્યા હતા કે આગ ઓલવવા ગયેલી ફાયર બ્રિગેડની ટીમને કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. આ બાબતે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શુક્રવારે રાજ્યસભામાં વિરોધ પક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી ફાયર વિભાગે નોટ જારી કરીને બધાને ચોંકાવી દીધા છે.
ફાયર વિભાગે નિવેદન બહાર પાડ્યું
ફાયર વિભાગે ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનમાંથી રોકડ મળવાના દાવાને ફગાવી દીધા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગ ઓલવવા ગયેલી ટીમને ઘટના સ્થળે કોઈ રોકડ મળી નથી.
સ્ટોર રૂમમાં આગ લાગી હતી
DFSના વડા અતુલ ગર્ગે શુક્રવારે જણાવ્યું હતું કે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગવાના સમાચાર 14 માર્ચે રાત્રે 11.35 વાગ્યે મળ્યા હતા. આ પછી તરત જ, બે ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે સવારે 11.43 કલાકે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. તેમણે કહ્યું કે આગ સ્ટોર રૂમમાં લાગી હતી જ્યાં સ્ટેશનરી અને ઘરવખરીનો સામાન રાખવામાં આવ્યો હતો.
આગ ઓલવતી વખતે ઘરમાંથી રોકડ મળી ન હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પછી તેણે પોલીસને આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાંથી રવાના થઈ હતી. આગ ઓલવતી વખતે ફાયર ફાઈટરોને કોઈ રોકડ રકમ મળી ન હતી.