નવી દિલ્હી : વર્ષ 2012માં રાજધાની દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસમાં આજે (20 માર્ચ,2020) લગભગ સાડા સાત વર્ષ બાદ ન્યાય કરવામાં આવ્યો છે. આજે સવારે 5:30 વાગ્યે નિર્ભયાના ચારેય દોષીઓને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાના ચાર દોષિઓ વિનય, અક્ષય, મુકેશ અને પવન ગુપ્તાને એક સાથે ફાંસી આપવામાં આવી હતી અને હવે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
સાત વર્ષ, ત્રણ મહિના અને ત્રણ દિવસ પહેલા, 16 ડિસેમ્બર 2012 ના રોજ, દેશની રાજધાનીની આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. ન્યાયની માંગ માટે યુવાનોનું પૂર રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું અને આજે પરિણામ બહાર આવ્યું છે.
નિર્ભયાની માતા આશા દેવીએ લાંબા સમય સુધી ન્યાય માટે લડત આપી હતી, આજે જ્યારે દોષીઓને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે તેણે જાહેરાત કરી કે તે 20 માર્ચને નિર્ભયા દિવસ તરીકે ઉજવશે. આશા દેવી કહે છે કે હવે તે દેશની અન્ય પુત્રીઓ માટે લડશે.
છેલ્લી ક્ષણ સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો
નિર્ભયાના ચાર ગુનેગારો દ્વારા અંતિમ ક્ષણ સુધી ફાંસી ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વકીલ એ.પી.સિંઘે ફાંસીના એક દિવસ પહેલા ડેથ વોરંટને મોકૂફ રાખવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ગુનેગારો સામે ચુકાદો આવ્યો હતો.
મધ્યરાત્રિએ એડવોકેટ એ.પી.સિંહે સુપ્રીમ કોર્ટમાં પ્રયાણ કર્યું અને સુપ્રીમ કોર્ટ બેઠી તો નિર્ભયાના દોષિતો ત્યાં પણ એવી કેટલીક દલીલો આપી શક્યા ન હતા, જેના કારણે તેઓની ફાંસી ટળે. જો કે, એ.પી. સિંહ ફાંસીને સતત ખોટા ગણાવતા રહ્યા અને મીડિયા-કોર્ટ અને રાજકારણ પર આરોપ લગાવતા રહ્યા હતા.
16 ડિસેમ્બરની રાત્રે શું થયું હતું ?
16 ડિસેમ્બર 2012 ની રાતને ભારતમાં કોઈ પણ વ્યક્તિ ભૂલી શકશે નહીં. રાજધાની દિલ્હીના મુનિરકામાં 6 લોકોએ એક પેરીમેડિકલ વિદ્યાર્થીની સાથે ચાલતી બસમાં ગેંગરેપ કર્યો હતો. આ કિસ્સામાં, ક્રૂરતાની તે બધી મર્યાદાઓ ઓળંગી ગઈ છે, જેને જીવંત વ્યક્તિ પણ જોઈ અને સાંભળીને ગભરાઈ જાય. ઘટના દરમિયાન પીડિતાનો મિત્ર પણ બસમાં હતો. ગુનેગારોએ તેને પણ માર માર્યો હતો. આ પછી મહિલા અને મિત્રને ચાલતી બસની બહાર ફેંકી દેવાયા હતા.
પીડિતાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતા તેને સિંગાપોર મોકલી દેવામાં આવી હતી. પીડિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન 29 ડિસેમ્બરે જીવનની લડત હારી ગઈ હતી. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તે અંતિમ ક્ષણ સુધી જીવવા માંગતી હતી.