અમેરિકા જઇને કામ કરવા ઇચ્છતા લોકોએ હવે એચ-1બી વિઝાની અરજી ફી તરીકે 10 ડોલર એટલે કે લગભગ 700 રૂપિયા વધારે ચુકવવા પડશે. વર્તમાન સમયે એચ-1બી વિઝાની અરજી માટે 32000 રૂપિયા લેવામાં આવે છે. અમેરિકાએ પોતાની પસંદગી પ્રક્રિયામાં નવું સંશોધન કરીને આ જાહેરાત કરી છે.
ફ્રોડમાં થશે ઘટાડો
અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન મંત્રાલયે જણાવ્યું કે આ ફી ઇલેક્ટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ માટે ઉપયોગી સાબિત થશે. અમેરિકી નાગરિક અને ઇમિગ્રેશન મંત્રાલયના કાર્યકારી નિર્દેશક કેન કુસિનેલીએ કહ્યું કે આ પ્રયત્ન વડે વધારે પ્રભાવી એચ-1બી વિઝા પસંદગી પ્રક્રિયા લાગુ કરવામાં મદદ મળશે. વધુંમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ ઇમિગ્રેશનને આધુનિક બનાવશે. જેનાથી પસંદગી પ્રક્રિયામાં સુધારો થશે ઉપરાંત ફ્રોડ થઇ શકશે નહીં.
2021ના વર્ષથી આ પદ્ધતિ લાગુ કરવામાં આવશે
એચ-1બી વિઝા કાર્યક્રમ અમેરિકી કંપનીઓને વિદેશી કારીગરોને અસ્થાયી રીતે કામ પર રાખવાની અનુમતિ આપે છે. જેના માટે કોઇ વિશિષ્ટ કૌશલ અથવા તો ડિગ્રીની જરૂ પડે છે. જે લોકો એચ-1બી વિઝા માટે અરજી કરશે તેમણે પહેલા ઇલેક્ટ્રોનિક રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 2021ના વર્ષથી આ પદ્ધતિ લાગુ કરવામાં આવશે.