પીઓકે સ્થિત બાલાકોટમાં જૈશે મહોમ્મદના અડ્ડાઓ પર ભારતીય વાયુસેના દ્વારા એરસ્ટ્રાઈક અંગે મહત્વનો ખુલાસો થયો છે. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(NTRO)એ દાવો કર્યો છે કે વાયુસેનાના હુમલા પૂર્વે જૈશના કેમ્પની આસપાસ 300 કરતાં પણ વધુ મોબાઈલ ફોન ચાલુ જોવા મળ્યા હતા.
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનનાં ખૈબર-પખ્તુન પ્રાંતમાં ટારગેટ નક્કી કરવા માટે NTROને જવાબદારી સોંપવામાં આવી હતી. NTROએ સર્વેલન્સ શરૂ કર્યું હતું. આ દરમિયાનમાં સૂચના મળી હતી કે આતંકીઓ બાલાકોટમાં સંતાયેલા છે.આ સૂચનાના પગલે અને બાલાકોટમાં એક્ટિવ મોબાઈલ ફોનના કારણે ભારતીય વાયુસેનાએ આતંકી અડ્ડાઓ પર 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા. આ કાર્યવાહી બાદ ભારતે દાવો કર્યો કે આતંકી અડ્ડાઓને તબાહ કરવામાં આવ્યા છે.
ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન જણાઈ આવ્યું કે જૈશે મહોમ્મદના અડ્ડાઓની આજુબાજુ 300 મોબાઈલ એક્ટિલ હોવાના સિગ્નલ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અડ્ડાઓને ભારતીય વાયુસેનાએ તબાહ કર્યા હતા. ભારતનું ગુપ્તચર તંત્ર NTROના સતત સંપર્કમાં હતું.
અત્યાર સુધી ભારત સરકારે માર્યા ગયેલા આતંકીઓને લઈ કોઈ સત્તાવાર આંકડો આપ્યો નથી. જોકે, સોમવારે એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે વાયુસેનાએ ટારગેટ પર ચોક્કસ વાર કર્યો હતો. જેના કારણે ટારગેટની આજૂબાજુના તમામ મકાનો તબાહ થઈ ગયા છે.
એર ચીફ માર્શલ ધનોઆએ એમ પણ કહ્યું કે કેટલા આતંકી માર્યા ગયા તે જોવાનું કામ અમારું નથી. આ અંગે સરકાર જ બતાવી શકે છે. પુલવામા હુમલા બાદ ભારત સરકારે પીઓકે સ્થિત જૈશે મહોમ્મદના ટ્રેનીંગ કેમ્પો પર હુમલા કરવાની લીલીઝંડી આપી હતી. 26મી ફેબ્રુઆરીએ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.