Nuclear Father ભારતમાં જન્મેલા પાકિસ્તાનના ‘પરમાણુ પિતા’ કોણ હતા?
Nuclear Father અબ્દુલ કાદિર ખાન, જેને આજે પણ “પાકિસ્તાનના પરમાણુ પિતા” તરીકે ઓળખવામાં આવે છે, તેમની યાત્રા ભારતના ભોપાલથી શરૂ થઈ હતી. 1935માં જન્મેલા કાદિર ભાગલા પછી પાકિસ્તાન ગયા હતા. તેમના પિતા શિક્ષક અને દાદા આર્મી ઓફિસર હતા. શરૂઆતમાં એક સામાન્ય વિદ્યાર્થી રહેલા કાદિર બાદમાં દુનિયાના સૌથી વિવાદાસ્પદ વૈજ્ઞાનિકોમાંથી એક બની ગયા.
યુરોપમાં અભ્યાસ દરમિયાન કાદિર ખાને યુરેનિયમ સંવર્ધન માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી ચોરી કરી હતી. 1974માં તેમને યુરોપની યુરેનકો પ્લાન્ટમાં પ્રવેશ મળ્યો, જ્યાંથી તેમણે ‘અલ્ટ્રાસેન્ટ્રીફ્યુજ ટેકનોલોજી’ના દસ્તાવેજ ચોરી કરીને પાકિસ્તાન મોકલ્યા. તેમણે ટેકનિકલ રિપોર્ટનો અનુવાદ કર્યો અને પરિવારને પત્ર લખવાનો બહાનો આપીને જાણકારી લિક કરી. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ શાંતિથી કામ કરતા અને શંકાથી પર રહ્યા.
1976માં તેઓ પાકિસ્તાન પરત ફરે અને કહુટામાં પરમાણુ સંશોધન મિશન શરૂ કર્યું. તેમણે વિશ્વના અન્ય દેશોમાંથી ભાગોની દાણચોરી માટે એજન્ટોને પત્રો લખ્યા. CIA એ આ પ્રવૃત્તિની જાણકારી આપી, પરંતુ પાકિસ્તાની નેતૃત્વએ હંમેશા પરમાણુ કાર્યક્રમને નકારી કાઢ્યો. જોકે, 1983માં ગુપ્ત પરીક્ષણ અને 1998માં સત્તાવાર રીતે પરમાણુ ધમાકા કરી પાકિસ્તાનએ પોતાનું શક્તિશાળી રૂપ વિશ્વ સામે લાવ્યું.
અબ્દુલ કાદિર ખાને પોતાના કામને દેશભક્તિ ગણાવ્યું, જ્યારે પશ્ચિમી દેશોએ તેમને ‘સુપર જાસૂસ’ કહીને ઓળખાવ્યા. પાકિસ્તાને તેમને સન્માનરૂપ AQ ખાન રિસર્ચ લેબોરેટરી આપી. તેમની સફળતા સાથે જ પાકિસ્તાન પરમાણુ દેશ બની ગયું – પણ સાથે સાથે વિશ્વ માટે એક કાયમી ભયનું કારણ પણ બન્યું.
તાજેતરના કાશ્મીરમાં થયેલા હુમલાઓ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિમાં અબ્દુલ કાદિર ખાનનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે – એક એવો વ્યક્તિ, જેમણે પરમાણુ શક્તિ આપી, પણ એ શક્તિ કઈ દિશામાં વળે એ હજુ અનિશ્ચિત છે.