ભણવાની ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી-આ વિધાન પંજાબના 83 વર્ષીય સોહન સિંહ ગિલે સાબિત કરી બતાવ્યું છે. 18 સપ્ટેમ્બરે તેમણે માસ્ટરની ડિગ્રી મેળવી છે.
પંજાબમાં જલંધર શહેરમાં આવેલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ બુધવારે સોહન સિંહને કોન્વોકેશન પ્રોગ્રામમાં આ ડિગ્રી આપી છે. હોલમાં હાજર દરેક લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોહન સિંહ મૂળ હોશિયારપુરના દત્તા ગામના રહેવાસી છે. તેમણે મહિપાલપુરમાં વર્ષ 1957માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યારબાદ તેમણે ટીચિંગ ફિલ્ડમાં કામ કર્યું.
બે વર્ષ પહેલાં એટલે કે 81 વર્ષની ઉંમરે તેમણે આગળ ભણવાનું નક્કી કર્યું અને લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન કોર્સમાં માસ્ટર્સ ઈન ઇંગલિશ કર્યું. તેમણે કહ્યું કે, મારા આત્મવિશ્વાસ અને ભગવાનના આશીર્વાદને લીધે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. નાનપણથી અંગ્રેજી મારી ફેવરિટ ભાષા છે. મેં અત્યાર સુધી IELTSના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને તે બધાએ સારા માર્ક્સની સાથે પરીક્ષા પાસે કરી છે. સોહન સિંહને અંગ્રેજી ભાષા સિવાય સ્પોર્ટ્સ અને હોકીમાં પણ રસ છે.