36 વર્ષથી અલગ થયેલા 80ની ઊંમર વટાવી ચૂકેલા પતિ પત્ની પોતાના ગૃહ રાજ્ય કેરળમાં એક વૃદ્ધાશ્રમમાં ફરીથી મળ્યા હતા, આંખો કમજોર થઈ ગઈ હોવા છતાં બંનેએ તરત જ એકબીજાને ઓળખી કાઢયા હતા.90 વર્ષીય સાઈદુ અને 82 વર્ષીય સુભદ્રાના લગ્ન 65 વર્ષ પહેલા થયા હતા. 1983માં સાઈદુ કામની શોધમાં જતા રહ્યા હતા ત્યારબાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સાઈદુ અને જુલાઈ મહિનામાં સુભદ્રા અમ્મા આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા જે થ્રીશુર જિલ્લામાં આવેલું છે. જ્યારે સુભદ્રા અમ્માએ 36 વર્ષ બાદ સાઈદુનો અવાજ સાંભળ્યો હતો તેને લાગ્યું આ અવાજ તેની જાણીતી વ્યક્તિનો છે. ત્યારે તેઓ જોવા ગયા હતા કે વૃદ્ધાશ્રમમાં કોણ નવી વ્યક્તિ આવી છે. જ્યારે તેમણે પોતાના પતિને જોયા તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેમણે એક બીજાને 36 વર્ષથી જોયા ન હતા અને તેમની આંખો પણ કમજોર થઈ ગઈ હતી તો છતાં બંને એક બીજાને ઓળખી ગયા હતા. વૃદ્ધાશ્રમના સંચાલકોએ જણાવ્યું હતું કે બંને બહુ જ ખુશ છે અને પોતાનું બાકીનું જીવન એક સાથે વિતાવવાનો નિર્ણય લીધો છે. 36 વર્ષ બાદ બંને ફરીથી ભેગા થયા એ વાત જાણીને વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરવામાં આવી હતી.