Operation Sindoor ઓપરેશન સિંદૂર પર ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા, શરૂઆત પાકિસ્તાને કરી
Operation Sindoor ઓપરેશન સિંદૂરને લઈને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલી ભારતીય સેનાની કાર્યવાહી પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, “આ શરૂઆત ભારતે કરી નથી, પણ પહેલગામના નિર્દોષ યાત્રાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાથી પાકિસ્તાને કર્યું છે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું. “કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું કે આનો જવાબ મળશે, અને ભારતે જવાબ આપ્યો પણ છે – પરંતુ જવાબ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને આપ્યો છે, નાગરિકો કે લશ્કરી ઠેકાણાઓને નહીં,” એમ ઓમર અબ્દુલ્લાએ ઉમેર્યું.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની સેના દ્વારા સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં અત્યાર સુધી 10 નાગરિકોના મોત થયા છે. આવા સંજોગોમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક હાઈ લેવલ બેઠક બોલાવી હતી, જેમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર રહ્યા હતા. શાહે જણાવ્યું કે સરહદ નજીકના ગામોમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને કટોકટીની સ્થિતિમાં બંકરો તૈયાર રાખવા તાત્કાલિક પગલાં લેવામાં આવે.
ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, “અમે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે સંપર્કમાં છીએ. જ્યાં પણ લોકોને ખસેડવાની જરૂર પડશે, ત્યાંથી તેમને બહાર કાઢવામાં આવશે. શાંતિ ફરી સ્થપાય એ આપણે બધાનું લક્ષ્ય છે.”
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “અમે યુદ્ધ નથી ઈચ્છતા. જો પહેલગામમાં હૂમલો ન થયો હોત તો આજે આ દિવસ ન જોવો પડતો. અમે શાંતિથી જીવતા હતા, પર્યટન પાંગરતું હતું. હવે જો શાંતિ ફરી લાવવી છે તો પહેલા પાકિસ્તાને પોતાની બંદૂકોને શાંત કરવી પડશે.”