ભારતમાં ડિજિટલ ચૂકવણીની સિસ્ટમની કરોડરજ્જૂ મનાતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)માં સલામતી સંબંધિત 40થી વધુ ખામીઓ સામે આવી હતી, જેમાંથી કેટલીક ખામીઓ અત્યંત જોખમી હતી.દેશમાં એનપીસીઆઈ રૂપે કાર્ડનું પણ સંચાલન કરે છે, જેના ઉપયોગને પીએમ મોદીએ રાષ્ટ્રીય કર્તવ્ય સમાન ગણાવ્યું હતું. એનપીસીઆઈના સરકારી ઓડિટમાં આ ખામીઓ ઉજાગર થઈ હતી. આ ઓડિટ નવેમ્બર 2018થી ફેબુ્રઆરી 2019 સુધી ચાલ્યું હતું અને તેમાં એનપીસીઆઈમાં પર્સનલ ડેટાના એન્ક્રીપ્શનની ઊણપને વિશિષ્ટરૂપે દર્શાવાઈ હતી.
માર્ચ 2019ના આ સરકારી દસ્તાવેજ મુજબ 16 અંકના કાર્ડ નંબર અને ગ્રાહકોના નામ, ખાતા નંબર અને રાષ્ટ્રીય ઓળખ નંબર વગેરે જેવી ખાનગી માહિતીનો ડેટા પ્લેન ટેક્સ્ટમાં એટલે કે કોઈ કોડ કે સુરક્ષા વિના રખાયો હોવાનું જણાયું હતું.
ઓડિટની વિગતો હજુ નથી કરાઈ જાહેર
આ ઓડિટની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. એવામાં સવાલ એ થાય છે કે લોકોનો ખાનગી ડેટા આમ ખુલ્લેઆમ રાખવામાં આવ્યો હતો તેવા સમયે જો કોઈએ આ સિસ્ટમ પર સાઈબર હુમલો કર્યો હોત તો આ બધો જ ડેટા એકદમ અસલામત હતો અને તેને સરળતાથી લોકોની ખાનગી વિગતો મળી ગઈ હોત.
ઓડિટના બધા જ આકલનોની સમિક્ષા
એનપીસીઆઈએ જણાવ્યું હતું કે, સંસ્થાનનું ઓડિટ નિયમિતરૂપે થાય છે અને મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ ઓડિટના બધા જ આકલનોની સમિક્ષા કરતા રહે છે અને ઓડિટ કરનારાના સંતોષ મુજબ યોગ્ય પગલાં ભરતાં રહે છે.
ઓડિટના મુદ્દાઓનો ઉકેલ લાવી દેવાયો
ભારતના રાષ્ટ્રીય સાઈબર સિક્યોરિટી કો-ઓર્ડિનેટર રાજેશ પંતની ઓફિસે પણ જણાવ્યું હતું કે, ગયા વર્ષના ઓડિટ રિપોર્ટમાં જે પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, તેનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની એનપીસીઆઈએ પુષ્ટી કરી છે. રાજેશ પંતની ઓફિસે આ ઓડિટનું સંકલન કર્યું હતું. પંતે ઉમેર્યું હતું કે, સાઈબર હુમલા ઘટાડવા માટે ઓડિટ સૌથી સારી રીત છે અને બધી જ એન્ટરપ્રાઈસીસ નિયમિત સમયે ઓડિટ કરાવતી રહે છે.
લોકોના ડેટાની સલામતીના પડકારો ઉજાગર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સલામતી પરિષદને દેશમાં સાઈબર હુમલાઓ વિરૂદ્ધ એનપીસીઆઈની તૈયારીઓ અંગે જણાવવા માટે એનપીસીઆઈમાં આ ઓડિટ કરાયું હતું. આ ઓડિટના આકલનો એનપીસીઆઈ સમક્ષ લોકોના ડેટાની સલામતીના પડકારો ઉજાગર કર્યા છે. એનપીસીઆઈ ઈન્ટર-બેન્ક ટ્રાન્સફર, એટીએમની લેવડ-દેવડ અને ડિજિટલ ચૂકવણી જેવી સેવાઓ મારફત દૈનિક અબજો ડોલરના ફંડનું સંચાલન કરે છે.
ગ્રાહકોની ખાનગી માહિતીઓનું સંરક્ષણ મહત્વનું
સમગ્ર વિશ્વમાં સાઈબર હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને હેકર્સ વધુ ને વધુ અત્યાધુનિક બની રહ્યા છે તેવા સમયમાં ભારતમાં ખાસ કરીને બેન્કો સહિતની નાણાકીય સંસ્થાઓ પર તેમના ગ્રાહકોની ખાનગી માહિતીઓનું અસરકારક સંરક્ષણનું ખૂબ જ દબાણ છે.
વર્ષ 2008માં એનપીસીઆઈની રચના નોટ-ફોર-પ્રોફિટ કંપની તરીકે થઈ હતી. માર્ચ 2019 સુધીમાં 56 બેન્કો તેની શૅરધારક હતી, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સિટી બેન્ક અને એચએસબીસી જેવી બેન્કોનો સમાવેશ થાય છે.
રૂપે કાર્ડને વિશેષરૂપે ભારતમાં માસ્ટર કાર્ડ અને વિસા કાર્ડના વિકલ્પ રૂપે જોવામાં આવે છે અને વડાપ્રધાન મોદીએ તેના ઉપયોગને રાષ્ટ્રીય કર્તવ્ય સમાન ગણાવ્યું હતું. એનસીપીઆઈ અને સેન્ટ્રલ બેન્કના ડેટા મુજબ ઑક્ટોબર 2019 સુધીમાં ભારતમાં ઈશ્યુ થતાં 90 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં બે તૃતિયાંશથી વધુ કાર્ડ રૂપે કાર્ડ જ હતા.