તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને આરોપીઓએ યુવકને લોખંડની પાઈપો મારીને કડુ ગરમ કરીને ગાલ અને ખભા પર ડામ આપ્યા હતા. તે સિવાય યુવકને નગ્ન કરીને તેનો વિડીયો ઉતારી કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી આપી હતી.આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઘાયલોડીયા ચાણક્યપુરીમાં ફોરમ પાર્કમાં રહેતો રિતેશ પી.પટેલ સિવિલ એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છ વર્ષ પહેલા રિતેશ તેના ગામની યુવતીના પરિચયમાં આવ્યો હતો. તેમની મિત્રતા થયા બાદ મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.
આથી બન્ને ફોન પર વાતચીત કરતા હતા.દરમિયાન 24 માર્ચના રોજ સાંજે રિતેશ યારા કા ઢાબાની સામે સરકારી ચાવડી પાસે ઉભો હતો ત્યારે ત્રિશલા રેસીડેન્સી તરફથી વર્ના કાર આવી હતી. જેમાંથી ત્રણ શખ્સો નીચે ઉતર્યા હતા અને તમામે માસ્ક પહેરેલા હતા. જેમાંથી એક શખ્સે તુ મારી ફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહીને ગાડીમાં બેસી જવા જણાવ્યું હતું. બાદમાં ચાલુ કારમાં આ શખ્સોએ બિભત્સ ગાળો બોલીને રિતેશને લાફા માર્યા હતા.બાદમાં તેને ગોતા તળાવ પાસે લઈ ગયા હતા અને રાણીપમાં અગોરી પાન પાર્લર પાસે કારમાંથી રિતેશને ઉતાર્યો હતો. તમામ શક્સોએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને કારની ડેકીમાં બેસાડીને રેલ્વેના પાટા પાસે સુમસાન જગ્યાએ લઈ ગયા હતા. કારમાંથી રિતેશને બહાર કાઢીને આ શખ્સોએ લાકડી, લોખંડની પાઈપ અને પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં યુવકના ગુપ્ત ભાગે તથા પીઠના ભાગે માર માર્યો હતો.