સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમા ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાતે હ્યૂસ્ટન પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના નિયામક ક્રિસ્ટોફક ઓલ્સન અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. મોદીએ અમેરિકાના એનર્જી સિટી કહેવાતા હ્યૂસ્ટમાં ઉર્જા કંપનીઓના 16 CEO સાથે બેઠક કરી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહયોગને વધારવાના ઉદ્દેશથી આ બેઠક કરાઈ છે.
ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અહીં અમેરિકાની પ્રાકૃતિક ગેસ(LNG) કંપની ટેલ્યુરિન સાથે 50 લાખ એલએનજી પ્રતિવર્ષ આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. MOU પ્રમાણે, પેટ્રોનેટ ડ્રિક્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનાથી પેટ્રોનેટને પ્રોજેક્ટના પહેલા તબક્કા અથવા બીજા તબક્કામાંથી દરવર્ષે 50 લાખ ટન LNG ખરીદવાનો અધિકાર મળી જશે. ટેલ્યુરિન અને પેટ્રોનેટના કરારની લેવડદેવડ 31 માર્ચ 2020 સુધીમાં પુરી થઈ જશે.
મોદી જેવા હ્યૂસ્ટન પહોંચ્યા કે તરત જ ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભાવભેર સ્વાગત કર્યુ. મોદી અહીં હોટલ પોસ્ટ ઓકમાં રોકાયા છે. હોટલની બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો તિરંગો લઈને પહોંચ્યા હતા. મોદીએ અહીં શીખ સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન શીખ સમુદાયે મોદીને સ્મૃતિ પત્ર સોંપ્યું હતુ. સાથે જ 1984ના જનસંહારના મુદ્દે સંબોધન આપવાની પણ અપીલ કરી હતી. સાથે જ દિલ્હી એરપોર્ટને ગુરુ નાનક દેવ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી હતી.
મોદી કાશ્મીરી પંડિતોને પણ મળ્યા. આ દરમિયાન પ્રતિનિધિમંડળમાં સામેલ એક સભ્યએ વડાપ્રધાનનો હાથ ચૂમી સાત લાખ કાશ્મીરી પંડિતો તરફથી તેમનો આભાર માન્યો. આ દરમિયાન મોદીએ ‘નમસ્તે શારદા દેવી’ શ્વોકનું ગાન પણ કર્યું. કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરિંદર કૌલે કહ્યું કે, વડાપ્રધાને અમને કહ્યું કે, તમે નવું કાશ્મીર બનાવવા માટે ઘણું બધું વેઠ્યું છે. આપણા યુવાનોએ તેમને તે સંદેશ પણ આપ્યો જે સમુદાયે તેમના માટે તૈયાર કર્યા હતા. મેં સમુદાય તરફથી એક મેમોરેન્ડમ રજુ કર્યું, જેનો તેમણે સ્વીકાર કરી લીધો હતો. કાશ્મીરી પંડિતોને મળીને મોદીએ કહ્યું હતું કે તમે ઘણું દુ:ખ સહન કર્યું છે. આજે રાત્રે 9 વાગ્યે હાઉડી મોદી કાર્યક્રમમાં તેઓ સામેલ થઇ ભારતીય સમુદાયને સંબોધન કરશે.