દાંડીયાત્રા પછી હિંદના વાઇસરોય લોર્ડ ઇરવિને ગાંધીજીને જેલમાંથી મુક્ત કરીને દિલ્હીના વાઇસરોયના મહેલમાં સમગ્ર દેશના નેતા તરીકે વાટાઘાટ કરવા આમંત્ર્યા હતા. ૧૯૩૧ની સવારમાં હાથમાં વાંસનો ડંડો અને ખભા પર શાલ નાખીને જ્યારે ગાંધીજી દિલ્હીના વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢતા હતા ત્યારે ગાંધીજીની કાયા જેલવાસને કારણે કૃશ બની હતી, પરંતુ ગાંધીજી અંગ્રેજ સલ્તનતની જેલમાંથી સીધા બ્રિટિશરોના હિંદના સૌથી વડા અધિકારીના મહેલમાં ભારતના સર્વોચ્ચ નેતા તરીકે આવ્યા હતા. ગાંધીજીની વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢતી તસવીર જ્યારે બ્રિટિશ અખબારોમાં છપાઇ ત્યારે એક વખતના બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારે અણગમા સાથે કહ્યું હતું કે, ‘આ અર્ધનગ્ન ફકીરની શું હેસિયત છે કે વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢીને બ્રિટિશ સલ્તનતના પ્રતિનિધિ સાથે બેસીને આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે?’
ત્યારબાદ તો બ્રિટન અને હિન્દુસ્તાનમાં ઘણાં પાણી વહી ગયાં. ગોળમેજી પરિષદ નિષ્ફળ નીવડી. ગાંધીજી યુરોપની યાત્રા કરી હિન્દુસ્તાન પાછા ફર્યા. મુંબઇના દરિયાકિનારે ઊતરેલા ગાંધીજીએ દેશવાસીઓને કહ્યું કે, હું ખાલી હાથે પાછો ફર્યો છું. આપણે ફરીવાર હિન્દુસ્તાનને આઝાદ કરવા અહિંસક લડાઇ લડવી પડશે. બ્રિટનના શાહી મહેમાન બનીને પાછી આવેલી આ સુકલકડી વ્યક્તિથી બ્રિટિશ સરકાર એટલી ડરેલી હતી કે ગાંધીજીને ફરી પાછા હિન્દુસ્તાનમાં શાહી મહેમાન બનાવીને યરવડા જેલમાં પૂરી દીધા. ગાંધીજીએ છૂટક છૂટક તેમની જિંદગીના ૨૦૮૯ દિવસ(પોણા છ વર્ષ) હિન્દુસ્તાનમાં બ્રિટિશરોની જેલમાં ગાળ્યા હતા. છેલ્લી વખતે જ્યારે બ્રિટિશ સરકારે ગાંધીજીને યરવડા જેલમાં નાખ્યા તે અગાઉ ગાંધીજીએ હિંદવાસીઓને એક નારો આપ્યો હતો. ‘કરો યા મરો’. બ્રિટિશ સરકારને ગાંધીજીએ કહી દીધું હતું કે,અંગ્રેજો, હિન્દ છોડો… ગાંધીજીએ તેમના આગવા મિજાજમાં કહ્યું હતું, મારે હમણાં જ સ્વતંત્રતા જોઇએ છે. આ રાત્રે જ, બની શકે તો સવાર થાય તે પહેલાં જ. બ્રિટિશરોને કહ્યું કે તમારે હિન્દની ચિંતા કરવાની જરૂર નથી. અમને અમારા ભાવિ પર છોડી દો. ગાંધીજીના આ મિજાજ પછી બ્રિટિશ સરકારે તેમને ફરી પાછા જેલમાં પૂરી દીધા હતા.