છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની કિંમત આસમાને ચડી રહી હતી. આલમ એ છે કે દિલ્હીની આઝાદપુર મંડીમાં જથ્થાબંધ ભાવો 51 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. જ્યારે, ડુંગળી રિટેલમાં 40 થી 65 રૂપિયામાં વેચાય છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ડુંગળીના ભાવ નરમ થવા લાગ્યા છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ કિલોદીઠ 25 રૂપિયા સુધી આવી શકે છે. વાસ્તવમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવા પાછળ 3 મહત્વપૂર્ણ કારણો છે. ચાલો જાણીએ કે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરી શકાય તેવા ત્રણ કારણો કયા છે. ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે જથ્થામાં અફઘાનથી ડુંગળી મંગાવવાનું શરૂ કર્યુ છે. ઉત્તર ભારતની મંડીઓમાં અફઘાનિસ્તાની ડુંગળીના આગમન પહેલા દેશની રાજધાનીમાં ડુંગળીનો ભાવ નીચે આવી ગયો છે. દિલ્હીના ડુંગળીના વેપારીઓના જણાવ્યા મુજબ અફઘાન ડુંગળી દિલ્હીની સીમમાં પહોંચી ગઈ છે. બજારમાં આવતાની સાથે જ ડુંગળીના ભાવ ઘટવા માંડશે.
દિલ્હીના જથ્થાબંધ વેપારી બાબુલાલ શર્મા કહે છે કે અફઘાનિસ્તાન ડુંગળીની આવકની સાથે આવનારા દિવસોમાં સ્થાનિક આવક પણ વધવાની ધારણા છે, કેમ કે રાજસ્થાનમાં ડુંગળીનો નવો પાક ઉતરી ગયો છે, જે ભાવમાં ઘટાડો કરી શકે છે. નવરાત્રી દરમિયાન ડુંગળીનો 25 રૂપિયા સુધીનો ભાવ આવી શકે છે. ડુંગળીના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ બજારમાં આવકનો અભાવ હતો. પરંતુ હવે આ મોરચે સુધારો દેખાય છે. જથ્થાબંધ બજારોમાં દરરોજ 50 જેટલા ટ્રકની આવક વધી છે. સ્થાનિક આવક વધવાના કારણે સપ્લાય ચેન ફરી સુધરવાની સંભાવના છે. માંગ સામે પુરવઠો આવે ત્યારે ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળશે. થોડા દિવસો બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઇ રહ્યો છે. ભારત જેવા દેશમાં, મોટી વસ્તી નવરાત્રી દરમિયાન ડુંગળીનું સેવન કરતી નથી. તેથી, નવરાત્રીમાં ડુંગળીની માંગમાં ઘટાડો જોવા મળે છે. દર વર્ષે એવું જોવા મળે છે કે ડુંગળીના ભાવ નવરાત્રી દરમિયાન સૌથી નીચા સ્તરે હોય છે. આ વર્ષે પણ, નવરાત્રીઓ પહેલાં, અફઘાનિસ્તાની ડુંગળી અને સ્થાનિક આવક સુધરવાને કારણે સપ્લાય વધશે. જોકે, નવરાત્રીમાં માંગ ઓછી થવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો આવી શકે છે.