Operation Sindoor ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા ચિંતાઓ વધતાં દેશના 16 એરપોર્ટ્સ બંધ, હેલ્પલાઇન નંબર જાહેર
Operation Sindoor ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ તણાવના પરિણામ, દેશના અલગ- અલગ રાજ્યોમાં આવેલા કુલ 16 એરપોર્ટ્સ પર ફ્લાઇટ સેવા તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે.
આ બંધ કરાયેલા એરપોર્ટ્સમાં શ્રીનગર, લેહ, થોઇસ, જામનગર, પઠાણકોટ, અમૃતસર, ચંદીગઢ, જમ્મુ, ભટિંડા, ભુજ, ધર્મશાલા, શિમલા, રાજકોટ, પોરબંદર, જોધપુર અને જેસલમેરનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ્સ પાકિસ્તાન સરહદ નજીક આવેલા છે, જેના કારણે તેમને સંવેદનશીલ માનવામાં આવે છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓએ તકેદારીના પગલાં રૂપે આ એરપોર્ટ્સ પરથી ફ્લાઇટ કામગીરી બપોર સુધી માટે સ્થગિત કરી છે.
વિમાનસેવા પ્રદાતા કંપનીઓ જેમ કે ઇન્ડિગો, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસને પણ આ નિર્ણયથી ગંભીર અસર થઈ છે. અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે અથવા તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમૃતસરથી પ્રસ્થાન કરતી કેટલીક ફ્લાઇટ્સને દિલ્હી તરફ મોકલવામાં આવી છે.
મહત્વનું છે કે મુસાફરોને ફાળવવામાં આવેલા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના પ્રવાસ પૂર્વે માહિતી મેળવી શકે. સામાન્ય માહિતી માટે 011-69329333 અને 011-69329999 પર સંપર્ક કરી શકાય છે. તેમજ ફ્લાઇટ્સ સંબંધિત સૂચનાઓ માટે +91 6360012345 નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
વિમાનયાત્રીઓ માટે સલાહ છે કે તેઓ ઘરમાંથી નીકળતા પહેલા પોતાની ફ્લાઇટની હાલની સ્થિતિ અંગે એરલાઇનની વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા માહિતી મેળવી લે. દેશમાં ચાલી રહેલા તણાવના પગલે અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે આ પગલાં અત્યંત જરૂરી માનવામાં આવી રહ્યા છે