Operation Sindoor: 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ, NSA ડોભાલ PM મોદીને મળ્યા, LoC પર તણાવ
Operation Sindoor ભારતના “ઓપરેશન સિંદૂર”ના અંતર્ગત પાકિસ્તાન અને POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હવાઈ હુમલાઓ બાદ રાજકીય અને લશ્કરી સક્રિયતાઓ તેજ બની છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે 7 મેની સવારે ભારતીય વાયુસેનાએ કારવાઈ કરી, જેમાં જૈશ, લશ્કર અને હિઝબુલના 9 ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સેનાની ત્રિ-સેવા પરિષદ આજે સવારે યોજાવાની છે, જેમાં આર્મી, એરફોર્સ, નેવી અને ઇન્ટિગ્રેટેડ સ્ટાફના સિનિયર કમાન્ડરો ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ જોડાશે. સવારે 10 વાગ્યે ઓપરેશન સિંદૂર અંગે સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં સચોટ વિગતો જાહેર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. બંને વચ્ચે સીસીએસ (કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) બેઠક પહેલા મહત્વની ચર્ચા થઈ. સીસીએસ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે અને તેમાં ઓપરેશન બાદની આગામી વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે
એલઓસી પર તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની બળોએ ગુરુવારે ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 3 બાળકો સહિત કુલ 9 નાગરિક ઘાયલ થયા છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતા LOC પર સુરક્ષા કડક બનાવી દીધી છે.
પહેલગામ હુમલામાં મૃતક રહેવાસી આદિલ હુસૈન શાહના પિતા હૈદર શાહે જણાવ્યું કે, “હું ખૂબ ભાવુક છું. મારા પુત્ર સહિત જે 26 લોકોને ગુમાવ્યા, તેમના માટે દેશે આજે ન્યાય લાવ્યો છે. મને સરકાર અને સેના પર ગર્વ છે.”
ઓપરેશન સિંદૂર માત્ર એક પ્રતિસાદ નથી – તે એક મજબૂત સંકેત છે કે ભારત હવે આતંકના કોઈ પણ ચિહ્ન સામે શૂન્ય સહનશીલતા રાખશે.