દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે, એ પૈકી મોટાભાગના કેસ મુંબઈના જ હોય છે. સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે લોકોમાં લોકડાઉન લાગવાનો ભય છે. એવામાં હવે મુંબઈના મેયરે આ અંગે સ્પષ્ટતા કરી છે. આ સાથે જ તેમણે વિપક્ષ પર લોકોમાં ભ્રમ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. કિશોરી પેડણેકરે કહ્યું હતું કે મને અંગ્રેજી નથી આવડતી. મારી મરાઠીમાં કહેવામાં આવેલી વાતોનો અનર્થ કરીને વિપક્ષના કેટલાક નેતા તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોમાં કોરોના અને લોકડાઉનનો ડર ઓછો નથી એમાં વિપક્ષી નેતાઓ તેને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કિશોરી પેડનેકરે કહ્યું હતું કે મુંબઈમાં જે 20,000 કેસ આવી રહ્યા છે તેમાંથી 17,000 કેસ મામૂલી લક્ષણવાળા અથવા લક્ષણ વગરના છે જે રાહતની વાત છે. સંકટ ભલે કેટલુ પણ મોટું હોય ગભરાવવાની જરુર નથી. પાલિકા સંપૂર્ણ રીતે તૈયાર છે. વિપક્ષ નેતાઓ માટે ખુરસીમાં બેસી ગાંજો પીને ટીકા કરવી સરળ છે. પાલિકા તેનુ કામ કરી રહી છે. કોરોનાના કેસની સંખ્યા સ્ટેબલ છે. એટલે લોકડાઉન લગાવવાનો સવાલ નથી. મેં કયારેય કીધુ જ નથી કે કોરોનાના 20,000થી વધુ કેસ આવશે તો મુંબઈમાં લોકડાઉન લાગી જશે. જનતામાં કોરોના અને લોકડાઉનનો ડર અમે નહીં, પણ વિપક્ષ ફેલાવી રહ્યો છે.
મુંબઈના મેયર આજે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જમ્બો કોવિડ સેન્ટર ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે BKC જમ્બો કોવિડ સેન્ટરમાં 2500 બેડની સુવિધા છે. તમને જણાવી દઈએ કે ભાજપના નેતા અને ભતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષ કોવિડ કેન્દ્રોનો ઉપયોગ માત્ર કમાણી માટે કરી રહી છે. લોકોને કોરોનાની ત્રીજી લહેરનો ભય દેખાડવામાં આવી રહ્યો છે. હું ટૂંક સમયમાં કોવિડ જમ્બો સેન્ટર્સના નામે ચાલી રહેલા કૌભાંડના પૂરાવા સામે લાવીશ.