ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું ટ્રાયલ 22 ઓગસ્ટથી શરૂ થશે. સમગ્ર દેશમાં 20 કેન્દ્રોમાં વેક્સીનનું ટ્રાયલ થશે. તેમાં મુંબઈ, પુણે, અમદાવાદ સામેલ છે. ટ્રાયલમાં 1600 લોકો સામેલ થશે. પહેલા દિવસે લગભગ 100 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનીવેક્સીનનું ટ્રાયલ દેશની સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે. સમગ્ર દેશમાં 20 સંસ્થાઓમાં વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે, તેમાં કોવિડ-19ના 5 હોટસ્પોટ પણ સામેલ કરવામાં આવશે.
નેશનલ બાયોફાર્મા મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની વચ્ચે એક કરાર થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત વેક્સીના મોટાપાયે ટ્રાયલ માટે ઘણી ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે.
તેમાં હરિયાણાની પલવલની INCLEN ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, પુણેની KEM હોસ્પિટલ, હૈદરાબાદની સોસાયટી ફોર હેલ્થ એલાયડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ચેન્નઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સામેલ છે.
દેશમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને વેક્સીન અલાયન્સની સંસ્થા ગાવીની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અને ઓછી આવક ધરાવતા 92 દેશોને માત્ર 3 ડોલર એટલે કે 225 રૂપિયામાં વેક્સીન મળશે.