પાકિસ્તાનમાં સત્તારૂઢ ઈમરાન ખાનની તહેરીકે ઈન્સાફ પાર્ટીના સાંસદ રમેશ વંકવાની આજકાલ ભારતની યાત્રા પર છે. શનિવારે તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાતચીત કરવામાં આવી અને પુલાવામા હુમલા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી.
રમેશ વંકવાનીએ મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે બન્ને દેશોના 150 કરોડ લોકો શાંતિ ઈચ્છે છે. કેટલાક લોકો બન્ને દેશો વચ્ચે તણાવ કાયમ રહે તેવા પ્રયાસો કરતા રહે છે. હવે એ સમય જતો રહ્યો છે કે બન્ને દેશો એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા કરે. બન્ને દેશોએ શાંતિ અને સલામતીના માર્ગે ચાલાવનો સંકલ્પ કરવાની જરૂર છે. ફ્રાન્સ અને જર્મનીનો દાખલો આપતા તેમણે કહ્યું કે એક સમય હતો કે બન્ને દેશો વચ્ચે તંગદીલી રહેતી હતી. પરંતુ પ્રયાસોના કારણે આજે બન્ને દેશો સારા મિત્ર છે.
તેમણે કહ્યું કે પંજાબની ધરતી પર ઉભો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન મોદી સાથે પણ હાય-હલ્લો થયું. હું પોઝિટીવ મેસેજ લઈને આવ્યો છું. પાકિસ્તાન સરકાર ચાહે છે કે પાકિસ્તાનની ધરતીનો કોઈ અન્ય દેશ વિરુદ્વની પ્રવૃત્તિમાં ઉપયોગ ન થાય. એવા ક્યા કારણો છે કે જે બન્ને દેશોને દુર રાખે છે.
તેમણે કહ્યું કે રિએક્શન પર રિએક્શન થશે તો તેનો કોઈ અંત નથી. હું કુંભના મેળામાં આવ્યો અને તે દરમિયાન અહીંયા જે ઘટના બની છે તે અત્યંત હિચકારી છે. પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ છે એ વાત સદંતર ખોટી છે. જો કોઈ પુરાવા મળશે તો જે કોઈ પણ હશે તેના વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે. જૈશે મહોમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને પુરાવા મળશે તો નિશંકપણે તેના વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં આવું બધું થતું હતું પરંતુ આજની પાકિસ્તાની સરકાર નવેસરથી આગળ વધવા માંગે છે.
મુલાકાતને સફળ બતાવી રમેશ વંકવાનીએ કહ્યું કે વડાપ્રધાને મારી સાથે જોશપૂર્વક વાત કરી છે. અને મને જે ખાતરી આપવામાં આવી છે તે જોતાં પોઝિટીવ રિસપોન્સ મળ્યો છે. હવે અમારી તરફથી પણ આવા પ્રકારની પોઝિટીવ વાત થવી જોઈએ અને થશે. બન્ને તરફ નેગેટીવ લોકો પણ છે તો સાથો સાથ પોઝિટીવ લોકોની સંખ્યા બહોળી છે.