ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી કાર્યાવાહી બાદ પાકિસ્તાનના લડાકુ વિમાનો ભારતીય બોર્ડરમાં ઘૂસી આવ્યા. પાકિસ્તાની આર્મીનાં મેજર જનરલ આસીફ ગફૂરે દાવો કર્યો કે પાકિસ્તાની વિમાનોએ ભારતના બે લડાકુ વિમાન તોડી પાડ્યા છે. એક વિમાન કાશ્મીરના બડગામમાં તોડી પડાયું અને બીજું વિમાન પીઓકેમાં તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ચેનલોએ બોગસ રીત વિમાનના ફોટો પ્રસારિત કરી ભ્રામકતા ફેલાવી છે. જે મીગ વિમાન ક્રેશ થવાના ફોટો પ્રસારિત કરવામાં આવ્યા છે તેની સત્યતા કંઈક ઔર જ છે.
હકીકતમાં પાકિસ્તાન જે ફોટો બતાવી દાવો કરી રહ્યો છે તે ફોટો 2016ના જોધપુરમાં ક્રેશ થયેલા મીગ વિમાનના છે. તે વખતે જોધપુરનાં કુડી ભગતાની ખાતે ભારતીય વાયુસેનાનો મીગ-27 વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બન્ને પાયલોટ બચી ગયા હતા. પરંતુ પાકિસ્તાન આ ફોટોને પીઓકેમાં ક્રેશ થયેલા મીગ વિમાનનો ફોટો હોવાનું જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. જૂના ફોટોનો ઉપયોગ કરી પાકિસ્તાન મીગ વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાનું બોગસ રીતે પ્રસારણ કરી રહ્યું છે.
આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા અન્ય એક મીગ વિમાનના ક્રેશ થવાનો ફોટો બતાવવામાં આવ્યો છે. આ ફોટો ઓરિસ્સામાં 2018માં ક્રેશ થયેલા મીગ વિમાનનો ફોટો છે.
આટલું જ નહીં પણ જે પાયલોટને પકડી લેવામાં આવ્યો છે તે ફોટો પાકિસ્તાની મીડિયા ચલાવી રહ્યું છે તે ફોટો બેંગ્લુરુમાં ક્રેશ થયેલા સૂર્ય કિરણ વિમાનના પાયલોટનો ફોટો છે.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ARY NEWS પર જે ફોટો એક્સક્લૂઝિવ કરીને ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે તે તમામ ફોટો બોગસ અને જૂના હોવાનું પ્રમાણ આના પરથી મળી રહ્યું છે.