બુધવારે નાગરિકતા સંશોધન બિલ જેવું સંસદમાં પાસ થયું તેવા દિલ્હીમાં રહેતા 750 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ ખુશ થઈ ગયા હતા. આ લોકોની ખુશી એટલી બધી હતી કે, અહીં રહેતી પાકિસ્તાની હિન્દુ શરણાર્થી મહિલાએ બે દિવસ પહેલાં પુત્રીને જન્મ આપ્યો હતો, તેણે આ બાળકીનું નામ ‘નાગરિકતા’ રાખી દીધું છે. નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં સોમવારે અને રાજ્યસભામાં બુધવારે પાસ થઈ ગયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને તેમની મંજૂરી પછી આ કાનૂન બની જશે.
‘અમારું સપનું પૂરું થયું’
નાગરિકતાની દાદી મીરા દાસે કહ્યું કે, સોમવારે જન્મેલી દીકરીનું નામ અમે નાગરિકતા રાખવાનું નક્કી કર્યું. નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થાય તે મારી ઈરછા હતી. માતા આરતીએ કહ્યું કે, અમે 7 વર્ષથી નાગરિકતા પાછળ ભાગી રહ્યા હતા. મારી દીકરીનો જન્મ થયા પછી અમારા બધાનું સપનું પૂરું થઈ ગયું છે. અમે ખુશ છીએ કે હવે અમે ભારતના નાગરિક કહેવાઈશું.