ગુજરાતમાં ભાદરવી પુનમનું ખાસ મહત્વ હોય છે, જેના કારણે અનેક જગ્યાએથી માઇ ભક્તો મા અંબા દર્શન કરવા પગપાળા જતા હોય છે. આજે સવારે પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓને રોડ અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં સ્વીફ્ટ કારની અડફેટે ત્રણેય વ્યક્તિઓ આવી જતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
આ ગમખ્વાર ઘટના બાદ ત્રણેય યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજી પગપાળા જઇ રહેલા એક સંઘના આ બે વ્યક્તિઓ હતા. સંઘ જ્યારે શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલા લાભી પાસે પહોંચ્યા ત્યારે કારે તેમને અડફેટે લીધા હતા. બે મૃતકો દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા ગામના રહેવાસી છે. જ્યારે એક મૃતક રણધીકપુર તાલુકાના ચુંદડી ગામનો રહેવાસી છે.
આ ઘટનામાં મૃતકોના નામમાં શૈલેષકુમાર રમણભાઈ પટેલ(ઉ.વ.25, રહે.ભુતપગલા,તા.દે.બારિયા), અશ્વિનભાઈ કનકસિંહ બારિયા(રહે. ભુતપગલા, તા. દે.બારિયા) અને કમલેશભાઈ રમણભાઈ પટલ(ઉ.વ.18, રહે.ચુંદડી, તા. રણધીકપુર)નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પગપાળા પહોંચી રહ્યાં છે. આવામાં પગપાળા જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં અકસ્માતોનો પણ સામનો કરવો પડે છે. બેફામ ગાડી હંકારતા લોકોને કારણે શ્રદ્ધાળુઓના મોત થાય છે.