Parliament Session: સોમવારે 18મી લોકસભાના સત્ર દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં ભારે હોબાળો થયો હતો. બીજી તરફ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સત્તાધારી પક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. આજે પણ બંને ગૃહોમાં હંગામો થવાની સંભાવના છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રપતિના સંબોધન સંબંધિત આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે.
આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે સોમવારે લોકસભામાં 16 કલાકની ચર્ચા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે ચર્ચા પૂર્ણ થવાની સંભાવના છે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. અગાઉ સોમવારે, રાહુલ ગાંધીએ NEET પરીક્ષા પેપર લીકના મુદ્દા પર ચર્ચા માટે અપીલ કરી હતી પરંતુ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.