પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, સાંસદો અને રાજ્યના ધારાસભ્યો તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ સૌ લાભાર્થીઓને આગામી વર્ષના વિક્રમ સંવતમાં તેમના ‘ગૃહ પ્રવેશમ્’ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ, રાજકીય પક્ષોએ તેમના સ્પષ્ટ જાહેર કરેલા વલણ છતાં ગરીબો માટે પર્યાપ્ત કામ કર્યું નહોતું. તેમણે કહ્યું હતું કે, “એક વાર ગરીબોનું સશક્તીકરણ થઇ જાય, એટલે તેમનામાં ગરીબી સામે લડવાની હિંમત આવી જાય છે. જ્યારે પ્રામાણિક સરકારના પ્રયાસો સાથે સશક્ત ગરીબોના પ્રયાસો એકજૂથ થઇ જાય ત્યારે ગરીબી નાબૂદ થઇ જાય છે.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડાઓમાં બાંધવામાં આવેલા આ 5.25 લાખ ઘરો માત્ર આંકડો નથી. આ 5.25 લાખ ઘરો ગરીબો દેશમાં વધુ મજબૂત થઇ રહ્યા હોવાની ઓળખ છે.” મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગરીબોને પાક્કા ઘર આપવાની ઝુંબેશ માત્ર એક સરકારી યોજના નથી પરંતુ ગ્રામીણ ગરીબોમાં વિશ્વાસ જગાવવાની કટિબદ્ધતા છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા દેશમાંથી ગરીબીને નાબૂદ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે.” પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, “આ મકાનો ગામડાની મહિલાઓને ‘લખપતિ’ બનાવવા માટેની સેવાની ભાવના અને અભિયાનને પણ પ્રતિબિંબિત કરે છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉના સમયમાં માત્ર અમુક લાખ મકાનોના નિર્માણની સામે, આ સરકારે અત્યાર સુધીમાં પહેલાંથી જ 2.5 કરોડ કરતાં વધારે પાક્કા મકાનો લાભાર્થીઓને સોંપી દીધા છે અને તેમાંથી 2 કરોડ મકાનો ગ્રામીણ વિસ્તારોમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહામારીની સ્થિતિમાં પણ આ અભિયાનની ગતિ ધીમી પડી નહોતી. મધ્યપ્રદેશમાં 30 લાખ પાકા મકાનોને મંજૂરી આપવામાં આવી છે તેમાંથી 24 લાખ મકાનોનું કામ પૂરું થઇ ગયું છે અને બૈગા, સહરિયા, ભારિયા સમાજ સહિત અન્ય લોકોને તેનો લાભ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, PMAY હેઠળ મળતા આવાસો શૌચાલયની સુવિધા સાથે હોય છે, જેમાં સૌભાગ્ય યોજના વીજ જોડાણ, ઉજાલા યોજના LED બલ્બ, ઉજ્જવલા યોજના ગેસ જોડાઅ અને હર ઘર જલ યોજના હેઠળ પાણીનું જોડાણ પણ આપવામાં આવે છે જેથી લાભાર્થીઓને આ લાભો મેળવવા માટે કોઇપણ ઝંઝટમાં પડવાથી મુક્તિ મળી જાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, PMAY યોજના હેઠળ બાંધવામાં આવતા અન્ય ઘરોમાં, લગભગ બે કરોડ મકાનોની નોંધણી મહિલાઓના નામે કરવામાં આવી છે. આ માલિકીના કારણે પરિવારમાં નાણાકીય નિર્ણયો લેવાની પ્રક્રિયામાં મહિલાઓની સહભાગીતા વધુ મજબૂત બની છે. મહિલાઓના સન્માન અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં 6 કરોડ કરતાં વધારે પરિવારોને પીવાલાયક પાણી માટે નળ દ્વારા પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને મફત રેશન આપવા માટે સરકારે 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ યોજનાને આગામી 6 મહિના સુધી લંબાવવામાં આવી છે અને આ યોજના હેઠળ વિતરણ કરવા માટે વધારાના રૂપિયા 80 હજાર કરોડ ખર્ચવામાં આવશે. લક્ષિત લાભાર્થીઓ સુધી સંપૂર્ણપણે લાભો પહોંચાડવાની સરકારની કટિબદ્ધતાને અનુરૂપ, સરકારે રેકોર્ડમાંથી 4 કરોડ નકલી લાભાર્થીઓને નાબૂદ કરી દીધા છે. 2014 પછી આ કવાયત હાથ ધરવામાં આવી છે જેથી ગરીબોને વાસ્તવમાં તેઓ જેના માટે હકદાર છે તેવા લાભો મળે અને બેઇમાન તત્વો દ્વારા ગરીબોના નાણાંની લૂંટ થતી બચાવી શકાય. તેમણે કહ્યું હતું કે, યોજનાઓના કવરેજને સંતૃપ્તી સ્તર સુધી લઇ જવાના લક્ષ્ય સાથે, સરકાર ભેદભાવ અને ભ્રષ્ટાચારની સંભાવનાઓ નાબૂદ કરી રહી છે.
સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સનું ઔપચારિકરણ કરીને, સરકાર ગામડાઓમાં વ્યવસાયનો માહોલ વધુ સરળ બનાવી રહી છે. મધ્યપ્રદેશમાં તમામ જિલ્લામાં આવેલા 50 હજાર ગામડાઓમાં સર્વેનું કામ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામડાનું અર્થતંત્ર માત્ર ખેતી સુધી જ સીમિત હતું. ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી જેવી પ્રાચીન વ્યવસ્થા સાથે સરકાર ગામડાઓમાં પ્રગતિના નવા માર્ગો ખોલી રહી છે. લઘુતમ ટેકાના ભાવે ખરીદીમાં નવો વિક્રમ સ્થાપિત કરવા બદલ તેમણે મધ્યપ્રદેશ સરકાર અને મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશના ખેડૂતોને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ રૂપિયા 13 હજાર કરોડ પ્રાપ્ત થયા છે.
પ્રધાનમંત્રી આવનારા વર્ષમાં (એકમથી) દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું. તેમણે આ સરોવરો નવા અને મોટા બાંધવા માટે કહ્યું હતું હતું. તેમણે કહ્યું હતું કે, મનરેગા ભંડોળનો ઉપયોગ આ કાર્ય માટે થઇ શકે અને તેનાથી જમીન, પ્રકૃતિ, નાના ખેડૂતો, મહિલાઓ અને પશુ તેમજ પક્ષીઓ માટે પણ તે ખૂબ જ લાભદાયી પૂરવાર થશે. તેમણે દરેક રાજ્ય સરકાર, સ્થાનિક સંગઠનો અને પંચાયતોને આ દિશામાં કામ કરવા માટે અનુરોધ કર્યો હતો.