ભગવાનને પ્રસાદ ચડાવવાની માનતા ઘણા રાખતા હોય છે પરંતુ મધ્યપ્રદેશના નીમચા જિલ્લા મથકથી ૩૦ કીમી દૂર આવેલા જાલીનેર ગામના નાગદેવતાના એક મંદિરમાં જેલમાંથી છુટેલા કેદીઓ હાથકડીઓ ચડાવે છે.ગામ લોકો આ સ્થળને ખાખરદેવ મંદિર કહે છે. ગુનો કરીને જેલમાં ગયેલા કેદીઓ છુટવા માટે હાથકડીઓ ચડાવવાની માનતા રાખે છે. જેલ ભોગવતા કેદીઓમાં એવો વિશ્વાસ છે કે આ મંદિરમાં હાથકડી અર્પણ કરવાની બાંધા રાખવાથી જેલમુકિત મળે છે.
જેલમાંથી ભાગી છુટેલા કેટલાક કેદીઓ તો અંધારાનો લાભ લઇને હાથકડી ચડાવવાની માનતા પુરી છે.પોલીસ પણ ઘણીવાર આ મંદિર આસપાસના વિસ્તારમાં ચોકી રાખે છે. મંદિરના પુજારી હાથકડીઓ ચડાવનારા ભકતોથી ડરીને કોઇ વાત પણ કરતા નથી. છેલ્લા ૫૦ વર્ષથી આ મંદિરમાં હાથકડીઓ ચડાવવાની આ પરંપરા ચાલે છે.આ મંદિરમાં માત્ર આરોપીઓ અને જેલમાંથી છુટેલા કે ભાગેલા કેદીઓ જ નહી સામાન્ય લોકો પણ દર્શન માટે આવે છે.
આ મંદિર અંગે લોકોનું માનવું છે કે મંદિરના નાગદેવતાની ગામ લોકો પર ખૂબજ કૃપા હોવાથી સર્પદંશની એક પણ ઘટના બની નથી. સ્થાનિક લોકો પણ આ મંદિર કેદીઓમાં કયારથી આસ્થાનું કેન્દ્ર બન્યું તે જાણતા નથી.એવું માનવામાં આવે છે કે એક જમાનામાં ડાકુઓ લૂંટફાટ માટે જતા પહેલા મંદિરમાં આવીને માથું ટેકવતા હતા.ડાકુઓ તો ચાલ્યા ગયા પરંતુ જેલમાંથી છુટતા કેદીઓ જરુર આવે છે. જેલમાં પુરાયેલા કેદીની મુકિત માટે સગા સંબંધીઓ પણ હાથકડીની બાધા રાખે છે.મંદિરમાં પ્રવેશો ત્યારે હાથકડીઓ લટકતી જોવા મળે છે.લોકો કુતુહલવશ હાથકડીને હાથ લગાવીને ફોટા પણ પડાવે છે.