નવી દિલ્હીઃ એક તરફ દેશવાસીઓ કોરોના સામે લડી રહ્યા છે. કોરોનાના કારણે આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવે પણ સામાન્ય લોકો માટે પડતા ઉપર પાટા જેવો ઘાટ સર્જાયો છે. દેશમાં ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. આ સપ્તાહમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. દેશમાં શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૯ પૈસા અને ડીઝલમાં ૩૪ પૈસાનો વધારો કરાયો હતો. ઈંધણના ભાવમાં વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૩૪ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૯૫ની સર્વોચ્ચ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. દેશમાં કેટલાક સ્થળો પર પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. હવે મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની નજીક પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૬૫ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૦.૧૧ થયો છે.
રાજ્યોના વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને ફ્રેઈટ ચાર્જીસના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર વેટ સૌથી વધુ છે. ત્યાર પછી મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. જોકે, બીજી મેએ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામ જાહેર થતાં ૧૮ દિવસના સમયગાળા પછી ૪થી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શરૂ થયો હતો. ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલમાં આઠમી વખત ભાવ વધારો થયો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘું છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટ રૂ. ૧૦૩.૨૭ પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૭૦ છે. આ મહિનામાં આઠ વખતના ભાવ વધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧.૯૨ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૨૨નો વધારો થયો છે.