સતત વધી રહેલી મોંઘવારીમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે શનિવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ પગલાથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 9.5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.
આ ઘટાડા બાદ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. જો રાજ્યો દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવે તો આ રાહત વધુ મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારી તિજોરીમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. ગયા વર્ષે પણ દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ સિવાય સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત યોજનાના લગભગ નવ કરોડ લાભાર્થીઓને 12 સિલિન્ડર સુધીની સબસિડી આપવામાં આવશે. તેનાથી સરકારી તિજોરી પર લગભગ 6,100 કરોડ રૂપિયાનો બોજ પડશે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ રાજ્યોને વિનંતી કરી હતી કે તેઓ સામાન્ય માણસને રાહત આપવા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ ઘટાડે. સીતારમણે કહ્યું કે જો રાજ્યો પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે તો સામાન્ય માણસને વધુ રાહત મળશે. પેટ્રોલ અને ડીઝલ પરના ઘટાડાથી પરિવહન ખર્ચમાં ઘટાડાની સાથે ખાદ્ય ચીજોના ભાવમાં રાહત મળશે.
રિટેલ ફુગાવો છેલ્લા ચાર મહિનાથી 6 ટકાની મર્યાદાથી ઉપર ચાલી રહ્યો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 7.79 ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ અને જથ્થાબંધ ફુગાવો 15.08 ટકાના સ્તરે નવ વર્ષની ટોચે પહોંચ્યો હતો. જોકે, આ નિર્ણયથી સરકાર પર નાણાકીય દબાણ વધશે.
નાના ઉદ્યોગ સાહસિકોને રાહત આપવા માટે પ્લાસ્ટિક અને સ્ટીલ સંબંધિત કાચા માલની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે જેથી તેમની ઉત્પાદન કિંમતમાં ઘટાડો કરી શકાય. આનાથી તૈયાર માલની કિંમતમાં પણ ઘટાડો થશે, જેના કારણે સામાન્ય લોકોને પણ તેનો લાભ મળશે અને ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. સરકારે કહ્યું છે કે જે માલસામાનની વધુ આયાત કરવામાં આવી રહી છે તેનાથી સંબંધિત કાચા માલની આયાત ડ્યુટી ઘટાડવામાં આવી રહી છે જેથી તેનું સ્થાનિક રીતે ઉત્પાદન કરી શકાય.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે સિમેન્ટની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને સારી લોજિસ્ટિક્સ દ્વારા સિમેન્ટની કિંમત ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ રાહતોની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વધતી મોંઘવારીને લઈને વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી હતી.
CNG ફરી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે
શનિવારે રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં ફરી એકવાર પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો થયો છે. 7 માર્ચથી બે મહિનામાં તેની કિંમતમાં આ 13મો વધારો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રાજધાની દિલ્હીમાં CNGની કિંમત હવે 73.61 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 75.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.