ભારતમાં ગુરૂવારે છેલ્લા છ મહિનામાં સૌપ્રથમ વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે, પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓએ ગુરૂવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 16 પૈસાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા સાથે દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.40 થયો છે, જે અગાઉ પ્રતિ લીટર રૂ. 73.56 હતો. પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. 82.08 છે, જેમાં કોઈ ફેરફાર કરાયો નહોતો.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 88.73 જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 79.94 થયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 83.57 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 76.90 છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 85.04 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 79.71 છે.
માર્ચની મધ્યમાં આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે લગભગ 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈપણ ફેરફાર નહીં કર્યા પછી સૌપ્રથમ વખત ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તે સમયે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સામે ઓટો ફ્યુઅલ પર એક્સાઈઝ ડયુટીમાં વિક્રમી વધારાને એડજસ્ટ કરવા સરકારી ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાનું ટાળ્યું હતું અને રિટેલ ભાવને સિૃથર કરી દીધા હતા.
ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવને અનુરૂપ તાલમેલ બેસાડવા ફરીથી ઈંધણના ભાવમાં ફેરફાર શરૂ કર્યા ત્યારે 7મી જૂનથી 25મી જુલાઈ વચ્ચે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 12.55નો વધારો થયો હતો. 25મી જુલાઈ પછી દેશમાં ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. જોકે, દિલ્હીમાં રાજ્ય સરકારે વેટ ઘટાડતાં ભાવ પ્રતિ લીટર રૂ. 8.38 ઘટયા હતા.