‘ગયા’ એક એવું પવિત્ર સ્થળ જે બિહારમાં સ્થિત છે. ખુબજ પૌરાણિક આ ધામમાં હિન્દુ તીર્થસ્થળનું મોખરાનું સ્થાન ધરાવે છે. સપર સરિતા ગંગા નદીના તટ પર સ્થિત આ ર્તીર્થ પિતૃઓનાં તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે ખુબજ વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્માની શાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે પ્રયાગ મુંડે ગયા પિંડે. અર્થાત્ પ્રયાગમાં મુંડન કરાવો ગયામાં પિતૃઓને તર્પણ કરાવો તમારા પિતૃઓને મોક્ષ જરૂરથી પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ પ્રાણી માત્રને મુક્તિ આપનાર ‘ગધાક’ રૂપે ગયામાં નિવાસ કરે છે.
ગ્યાસુરના વિશુદ્ધ દેહમાં બ્રહ્માજી, જનાર્દન શિવ તથા પ્રપિતામહ સ્થિત છે. ભગવાન વિષ્ણુએ અહીં મર્યાદા સ્થાપિત કરતા ભક્તિ, યજ્ઞ, શ્રાદ્ધ, પિંડદાન તથા સ્નાનાદિ કરાવી તમામ બંધનોથી મુક્તિ મેળવી સ્વર્ગલોક અને બ્રહ્મલોકમાં જાશે. કર્મ પુરાણના ચોત્રીસમાં અધ્યાયમાં ગયા તીર્થના મહિમાનું વર્ણન કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ગયા તીર્થ પૂર્વજોને ખુબજ પ્રિય છે. જે માણસનું એક વાર પણ ગયાજીમાં પિંડદાન કરવામાં આવે તેમની પરમ ગતિ થાય છે.
જે વ્યક્તિ ગયા તીર્થ જઈને રાત્રિવાસ કરે છે તેમની સાત પેઢી તરી જાય છે. ગયામાં મુંડપૃષ્ઠ, અરવિંદ પર્વત તથા ક્રોંચપદ નામના તીર્થોના દર્શન કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈ જવાય છે. મકર સંક્રાતિ, ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના અવસરે ગયા જઈને તેમજ ભાદરવા માસમાં અહીં પિંડદાન કરવાથી ત્રણેય લોકનું સુખ પ્રાપ્ત થાય છે.