ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. હિન્દુ સંસ્કૃતિ માટે જો કંઈ મેળવવું હોય તો કંઈક આપવું પડે.
વ્યક્તિ પોતાની હયાતીમાં પોતાના માટે કશું કરી શકે છે. એ કર્મ પ્રમાણે પ્રાપ્તિ મેળવે છે, જ્યારે તે હયાત ન હોય ત્યારે તેમને જે તે વસ્તુની પ્રાપ્તિ થાય તે આશયથી સંતાનો કે વારસદારો દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓની ગતિ થાય છે. વ્યક્તિ પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવે છે.
ક્યાં દિવસે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું, આ રીતે જાણો
1 પૂનમ તથા એકમનું શ્રાદ્ધ તા. 14.9.19 ને શનિવારે
2 બીજનું શ્રાદ્ધ તા. 15.9.19ને રવિવારે ભાદરવા વદ એકમે
3 ત્રીજનું શ્રાદ્ધ તા. 17.9.19ને મંગળવારે ભાદરવા વદ ત્રીજે
4 ચોથનું શ્રાદ્ધ તા. 18.9.19ને બુધવારે ભાદરવા વદ ચોથે
5 પાંચમનું શ્રાદ્ધ તા. 19.9.19ને ગુરુવારે ભાદરવા વદ પાંચમે
6 છઠ્ઠનું શ્રાદ્ધ તા. 20.9.19ને શુક્રવારે ભાદરવા વદ છઠ્ઠે
7 સાતમનું શ્રાદ્ધ તા. 21.9.19ને શનિવારે
8 આઠમનું શ્રાદ્ધ તા. 22.9.19ને રવિવારે
9 નોમનું શ્રાદ્ધ તા. 23.9.19ને સોમવારે
10 દશમનું શ્રાદ્ધ તા. 24.9.19ને મંગળવારે
11 અગિયારસ તથા બારસનું શ્રાદ્ધ 25.9.19ને બુધવારે
12 તેરશનું શ્રાદ્ધ તા. 26.9.19ને ગુરુવારે ભાદરવા વદ બારશે
13 ચૌદશનું શ્રાદ્ધ તા. 27.9.19ને શુક્રવારે ભાદરવા વદ તેરશે
14 અમાસનું શ્રાદ્ધ તા. 28.9.19ને શનિવારે
15 માનામહ શ્રાદ્ધ તા. 29.9.19ને રવિવારે આસો સુદ એકમે
કેટલીક વાતોનું ધ્યાન રાખવું
શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું. ઘરમાં કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય તે માટે સૌએ પ્રેમથી વર્તવું. અધાર્મિક કાર્યો ટાળવા. ઘરમાં સાફ સફાઈ રાખવી. આળસ ખંખેરી સતત કામમાં વ્યસ્ત રહેવું અને સૌનું સન્માન કરવું.
પિતૃતર્પણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા
એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ દેવતા પૃથ્વી લોકમાં ભ્રમણ કરે છે. આ દિવસોમાં ગયા, હરિદ્વાર, ઉજ્જૈન, અલ્હાબાદ જેવા ધાર્મિક સ્થળોએ પિંડદાન કરવામાં આવે છે. આ મંદિરો ખાતે તર્પણ કરવાથી પિતૃ દેવતા સંતોષ પામે છે. દિવંગત પૂર્વજની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ એ એવું કર્મ છે જેના દ્વારા પિતૃઓની તૃપ્તિ માટે ખોરાક આપવામાં આવે છે. પિંડાદાન અને તર્પણ તેમના આત્માને શાંતિ પ્રદાન કરે છે. જે તિથિ પર કુટુંબની વ્યક્તિનું મૃત્યુ થયું છે તે તિથિએ તે વ્યક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.