નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વીવીઆઈપી બોઇંગ વિમાન ‘એર ઇન્ડિયા વન’ આવી રહ્યું છે. તે આવતા અઠવાડિયે જ દિલ્હીમાં ઉતરશે. સરકારે પહોળા બોડીવાળા બે ખાસ ડિઝાઇન કરેલા બોઇંગ 777-300 ER વિમાનનો ઓર્ડર આપ્યો છે. આમાંથી એક વડાપ્રધાન મોદી માટે અને બીજું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે હશે.
અમેરિકન રાષ્ટ્રપતિના વિમાન જેવું હશે આ વિમાન
અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ પર ભારત માટે વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ બંને વિમાન અમેરિકામાં ખાસ શણગારવામાં આવી રહ્યા છે. તેમના આગમન પછી, 25 વર્ષ જૂનું બોઇંગ 747 વિમાન એર ઇન્ડિયા વીવીઆઈપી કાફલામાંથી દૂર કરવામાં આવશે. આ બંને વિમાન ભારતીય વાયુસેનાના પાઇલટ્સ ચલાવશે.
એર ઇન્ડિયા, ભારતીય વાયુસેના, અને કેટલાક સરકારી અધિકારીઓ સાથે સુરક્ષા જવાનોની એક ટીમ, વીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ ભારત લાવવા અમેરિકા ગઈ છે.
આ વિમાનમાં વિશેષ શું છે
- એર ઇન્ડિયા વન એડવાન્સ અને સિક્યુર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ વિમાન ફુલ એર કમાન્ડ સેન્ટર્સ તરીકે કાર્ય કરે છે જેમના અત્યાધુનિક ઓડિયો, વિડીયો કમ્યુનિકેશનને ટેપ અથવા હેક કરી શકાતું નથી.
- આ બે વિમાનો એક મજબૂત હવાઈ કિલ્લા જેવા છે. તેમની ખરીદી પર આશરે 8,458 કરોડ રૂપિયા ખર્ચ થશે.
- આ વિમાનની પોતાની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે, સ્વ-સુરક્ષા સૂટ છે જે દુશ્મન દેશની રડાર ફ્રીક્વન્સીને જામ કરી શકે છે.
- આ વિમાનની અંદર એક કોન્ફરન્સ રૂમ, વીવીઆઈપી મુસાફરો માટે એક કેબિન, તબીબી કેન્દ્ર તેમજ અન્ય મહાનુભાવો, કર્મચારીઓની સીટ હશે.
- આ વિમાનમાં એર ઇન્ડિયા વન (જેને AI-1 અથવા AICOO1 પણ કહેવામાં આવે છે) જેના પર વિશેષ નિશાની હશે. આ નિશાનીનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન વિમાનમાં સવાર છે.
- આ વિમાનમાં અશોક ચક્ર સાથે ભારત અને ઇન્ડિયા પણ લખવામાં આવશે.
- એકવાર આ વિમાનનું રિફ્યુઅલ થઈ જાય, તો તે 17 કલાક સતત ઉડાન કરી શકશે. હાલમાં વીવીઆઈ કાફલામાં વિમાન ફક્ત 10 કલાક માટે જ સતત ઉડાન ભરી શકે છે.