નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. જોકે, કોરોનાની સ્પીડ થોડી ઓછી થઈ છે પરંતુ હજી પણ કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિમાં છે. ત્યારે પ્રધાનમંત્રી સાથેના સંવાદમાં નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર સહિતના દેશના ટોચના ડોક્ટરો જોડાયા હતા તથા પ્રધાનમંત્રીને સૂચનો તથા પોતાને થયેલા અનુભવો જણાવ્યા હતા. ડોક્ટરોએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર અંગે તેમને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તથા મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે કયા પગલાં ભરવા તે અંગે પણ ચર્ચા થઈ હતી.
મહામારી દરમિયાન પોતાને થયેલા અનુભવો અને પરેશાનીઓ અંગે ડોક્ટરોએ પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવને કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. તેમનું કહેવું હતું કે જે રીતે હાલમાં વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતા કહી શકાય છે ત્રીજી લહેર જરુર આવશે. તેને માટે અત્યારથી તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું હતું કે નવો સ્ટ્રેન ઓરિજિનલ વાયરસની જેમ જ સંક્રમણ પેદા કરી શકે છે.
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા.
દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા. પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી. પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.