વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમના 50માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં રાજ્યએ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી છે.
ગોરખપુરથી પાંચ વખતના લોકસભાના સભ્ય મહંત યોગી આદિત્યનાથને વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતૃત્વ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી, યોગીએ ભારતીય રાજકારણમાં ઝડપથી પોતાની ઓળખ સ્થાપિત કરી છે.
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપે 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને પાર્ટીએ ફરીથી સત્તામાં શાનદાર વાપસી કરી હતી. યોગી આદિત્યનાથે અત્યાર સુધીના તેમના શાસન દરમિયાન કડક પ્રશાસકની છબી વિકસાવી છે.
એક ટ્વિટમાં મોદીએ કહ્યું, “ઉત્તર પ્રદેશના ઊર્જાસભર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની શુભેચ્છા. તેમના સક્ષમ નેતૃત્વમાં રાજ્યએ પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી છે. તેમણે રાજ્યના લોકો માટે લોક કલ્યાણકારી શાસન સુનિશ્ચિત કર્યું છે. હું તેને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય ઈચ્છું છું.”