વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે.
મોદીએ આ અભિયાનનો ઉલ્લેખ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો ત્યારે તેમને પણ નવાઈ લાગી હતી. રિપુદમને આ શબ્દને ખૂબ પ્રચારિત કર્યો છે.
બંને નેતા બેંકોકમાં આસિયાન સમિટમાં પણ મળશે
આ દરમિયાન શનિવારે ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થશે. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લંચ ઓફર કરશે. આ અનઔપચારિક મુલાકાત એક રિસોર્ટમાં થવાની છે. મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠકમાટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતા બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ મળશે.